સંઘપ્રદેશ દીવમાં આજે વહેલી સવારથી જ પ્રકૃતિનો મિજાજ બદલાયેલો જોવા મળ્યો છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી વરસાદની આગાહી પાટનગર દીવ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સાચી સાબિત થઈ છે. સવારના સમયે આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને જોતજોતામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદના કારણે રસ્તાઓ પર પાણી વહેતા થઈ ગયા હતા અને વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી ગઈ હતી.
પહેલા જ વરસાદમાં વીજ કંપની ફેલ
દીવમાં પ્રવાસીઓ અને સ્થાનિકો વરસાદની મજા માણી રહ્યા હતા, ત્યાં જ વીજ વિભાગની અણઆવડત સામે આવી હતી. વરસાદના ટીપાં પડવાની સાથે જ ટાપુના મોટાભાગના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. કલાકો સુધી વીજ પુરવઠો પુનઃ સ્થાપિત ન થવાના કારણે સ્થાનિક રહીશો અને હોટલોમાં રોકાયેલા પર્યટકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. વરસાદી માહોલમાં વીજળી ડૂલ થવાના કારણે તંત્ર સામે લોકોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે.
