એક તરફ સરકાર દ્વારા રાજ્યમાં કડક દારૂબંધી (Prohibition) ના દાવા કરવામાં આવે છે, તો બીજી તરફ બુટલેગરોની બેફામ પ્રવૃત્તિઓ અટકવાનું નામ લેતી નથી. તાજેતરમાં રાજ્યના બે અલગ-અલગ જિલ્લાઓમાંથી દારૂના કારોબારને લગતી મોટી ખબરો સામે આવી છે, જેમાં સાબરકાંઠામાં પોલીસની નિષ્ક્રિયતા સામે સવાલો ઉઠ્યા છે તો મોરબીમાં પોલીસે મોટી કાર્યવાહી કરી છે.
ખેડબ્રહ્મામાં ટુ-વ્હીલર પર દારૂની હેરાફેરી
સાબરકાંઠા (Sabarkantha) જિલ્લામાં દારૂબંધીના લીરેલીરા ઉડતી ઘટના સામે આવી છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં બેરોકટોક દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે. તાજેતરમાં ખેડબ્રહ્મા (Khedbrahma) ના લક્ષ્મીપુરા રોડ પરથી મોટરસાઇકલ કે ટુ-વ્હીલર (Two-Wheeler) પર અંગ્રેજી દારૂની ખુલ્લેઆમ હેરાફેરી કરવામાં આવી રહી હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો છે. આશ્ચર્યની વાત તો એ છે કે દારૂની આ ગેરકાયદેસર હેરાફેરીને રોકવાનો પ્રયાસ કરનાર વ્યક્તિ પર પણ હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સ્થાનિક બુટલેગરોની આ દાદાગીરી સામે પોલીસ પ્રશાસન દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
