ગુજરાતમાં માર્ગ અકસ્માતોની વણઝાર વચ્ચે એક વધુ અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. લીંબડી-અમદાવાદ નેશનલ હાઈવે (Limbdi-Ahmedabad Highway) પર કાનપરા (Kanpara) પાટીયા નજીક પદયાત્રા કરી રહેલા શ્રદ્ધાળુઓ પર એક પૂરપાટ ઝડપે આવતી આઈસર (Eicher Truck) ગાડી ચઢી ગઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં સંઘના એક પદયાત્રીનું કરૂણ મોત નિપજ્યું છે, જ્યારે અન્ય આઠ જેટલા પદયાત્રીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
આણંદથી દ્વારકા તરફ જઈ રહ્યો હતો પદયાત્રીઓનો સંઘ
પ્રાપ્ત વિગતો અનુસાર, આણંદ (Anand) જિલ્લામાંથી અંદાજે 65 થી વધુ પદયાત્રીઓનો એક વિશાળ સંઘ શ્રદ્ધાપૂર્વક પદયાત્રા કરીને ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શને દ્વારકા (Dwarka) તરફ જઈ રહ્યો હતો. આ સંઘ જ્યારે લીંબડી-અમદાવાદ હાઈવે પર આવેલા કાનપરા પાસેથી પસાર થઈ રહ્યો હતો, તે સમયે પુરઝડપે ધસી આવેલા આઈસર ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો અને પદયાત્રીઓને સીધા અડફેટે લીધા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે અફરાતફરી મચી ગઈ હતી.
