મોરબીમાં કાયદો અને વ્યવસ્થા જાણે ખાડે ગઈ હોય તેમ લુંટ, ચોરી અને હત્યા સહિતના બનાવો એક બાદ એક સામે આવી રહ્યા છે. જેમાં પ્રેમ પ્રકરણમાં મોરબીના લીલાપર ચોકડી પાસે 6-7 જેટલા શખ્સોએ છરી, ધોકા અને પાઈપ અને પથ્થર વડે યુવાનની 18 જૂને સાંજના સમયે કરપીણ હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં મૃતકની માતાએ મોરબી તાલુકા મથકે 7 જેટલા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધાવ્યો હતો. જેમાં પોલીસે 7 આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


સાત આરોપીઓ કર્યો જીવલેણ હુમલો

મૃતક ગીરીશ કણઝારીયાને અગાઉ આરોપી મહેશ ઉર્ફે પાચો ડાયાભાઈની ભત્રીજીને તેના પડોશમાં રહેતા પ્રકાશ વિનુભાઈ સાથે પ્રેમ સંબંધ હતો અને મૃતક ગીરીશ તેના મિત્ર પ્રકાશ વિનુભાઈને મદદગારી કરતો હોય તેવો વહેમ હતો. જે બાબતે 2017માં ફરિયાદ નોંધાઈ હતી. તેમજ હત્યાના બે દિવસ પહેલા પણ આરોપી દિલીપ મહેશભાઈ સાથે મૃતક ગીરીશને ગાળો બોલવા બાબતે મારામારી થયેલી હતી. જે બાબતનો ખાર રાખીને આરોપીઓએ ગીરીશને છરી, ધોકા અને પાઈપ અને પથ્થર મારી હત્યા કરી હતી.

હુમલામાં મોત થતાં મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ

મૃતક ગીરીશની માતા ભાવનાબેને મોરબી તાલુકા મથકે દિલીપ મહેશભાઈ, અરવિંદ ઉર્ફે મુનો ડાયાભાઈ, કિશન પ્રભુભાઈ, પ્રભુભાઈ ડાયાભાઇ, મહેશ ઉર્ફે પાચો ડાયાભાઇ, જગાભાઈ ડાયાભાઇ અને અમિત ઉર્ફે પાચો રહે. તમામ મોરબીવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ બનવાનું કારણ ફરિયાદીના દીકરા ગીરીશને આરોપી મહેશ ઉર્ફે પાચો ડાયાભાઈની ભત્રીજીને તેના પડોશમાં રહેતા પ્રકાશ વિનુભાઈ સાથે પ્રેમ સંબંધ હોય અને ગીરીશ તેને પ્રેમ સંબંધમાં મદદ કરતો હોય, જેથી કરીને યુવતીના પરિવારજનોએ ગીરીશને છરી, ધોકા અને પાઈપ અને પથ્થર વડે મારમારી હત્યા નીપજાવી હતી.

  • Follow us on: