ગુજરાતમાં ચોમાસાના સિઝનની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યમાં ગતસપ્તાહથી અનેક જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. કયાંક ભારે વરસાદથી નદીનાળા છલકાતા પૂરની સ્થિતિ બનવા પામી છે. આવા વરસાદી માહોલ વચ્ચે પણ મોરબીના રહીશો પીવાના પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. મોરબીમાં આજે મહેન્દ્ર નગર સોસાયટીમાં રહેતા રહીશોમાં પીવાના પાણીને લઈને લોકોમાં ઉગ્ર આક્રોશ જોવા મળ્યો. પીવાના પાણીની સમસ્યાને લઈને આજે સોસાયટીના રહીશોએ મનપા સામે કર્યો હલ્લાબોલ.


મહાનગરપાલિકા બન્યા બાદ પણ સમસ્યા યથાવત

મોરબી શહેરમાં મહેન્દ્ર નગર સોસાયટીમાં વિસ્તારમાં પિવાનુ પાણી અનિયમિત આવતાં આજે મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો મોરબી મહાનગરપાલિકા કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો અને મહાનગરપાલિકા હાય હાય તેમજ પાણી આપો પાણી આપોના નારા લગાવ્યા હતા તો સાથે ડોર ટુ ડોર કચરો કલેક્શન કરવાની ગાડી પણ આવતી નહીં હોવાની રજૂઆત કરી હતી. મહેન્દ્ર નગર ગ્રામ પંચાયતમાંથી મોરબી મહાનગરપાલિકામાં ભળી જતાં લોકો અકળાયા છે અને મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ પણ સમસ્યાઓ જાણે દૂર થવાની નામ જ લેતું નથી.

વારંવાર રજૂઆત છતાં તંત્રની બેદરકારી

એકબાજુ વરસાદી માહોલ હોવાં છતાં આ વિસ્તારના રહીશો સામાન્ય જરૂરિયાત એવા પિવાની પાણીની સમસ્યાને લઈને હાલાકી ભોગવી રહ્યા છે. મનપા કચેરી ખાતે હોબાળો મચાવનારા રહીશોએ તાત્કાલિક પાણીની સમસ્યાને દૂર કરવા માંગ કરી. મહેન્દ્રનગર સોસાયટીમાં પાણી આપો પાણી આપો ના નારા સાથે સુતેલા તંત્રને ઢંઢોળ્યુ હતું. જોકે અગાઉ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી પરંતુ નઘરોળ તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં નહીં આવતા પાણીની સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને મહિલાઓ અને પુરુષોને છેક મહાનગરપાલિકા કચેરી ખાતે ધક્કા ખાઈ રજૂઆત કરવા મજબુર બનવું પડ્યું છે.

  • Follow us on: