ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની છબીને નુકસાન પહોંચાડવાના હેતુથી સોશિયલ મીડિયા પર બનાવટી અને ગેરમાર્ગે દોરતી પોસ્ટ વાયરલ કરવાના ગંભીર કિસ્સામાં નવસારી સાયબર ક્રાઇમ પોલીસે લાલ આંખ કરી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નામે ઇન્સ્ટાગ્રામ પર અફવા ફેલાવતી બનાવટી પોસ્ટ મૂકનાર આઈડી ધારક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઇન્સ્ટાગ્રામ આઈડી ‘katha_vistar’ પરથી પોસ્ટ કરાઈ
મળતી વિગતો અનુસાર, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર ‘katha_vistar’ નામના એક એકાઉન્ટ પરથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધિકૃત ફોટોગ્રાફ્સનો દુરુપયોગ કરીને એક તદ્દન ખોટી અને બનાવટી પોસ્ટ વાયરલ કરવામાં આવી હતી. આ ફેક પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, ગામડાઓમાં દારૂના ગેરકાયદેસર વેચાણ અને હેરાફેરીના મામલે સંબંધિત ગ્રામ પંચાયતના સરપંચોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. આ પ્રકારના કોઈ સરકારી આદેશ વગર જ નાયબ મુખ્યમંત્રીના નામે ખોટી અને બનાવટી વિગતો પ્રસિદ્ધ કરીને સમાજમાં ગેરસમજ ઊભી કરવાનો અને તેમની રાજકીય તથા સામાજિક પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો મલિન પ્રયાસ કરવામાં આવ્યો હતો.
