પંચમહાલ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સામે પડકાર ફેંકનાર દુષ્કર્મના આરોપીને પકડવામાં પોલીસ તંત્રને મોટી સફળતા સાંપડી છે. હાલોલ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાંથી નાટ્યાત્મક રીતે ફરાર થઈ ગયેલા આરોપી આશિષ વસૈયાને પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને ચોક્કસ માહિતીના આધારે દબોચી લીધો છે. ગંભીર ગુનાના આરોપીની આ રીતે ધરપકડ થતાં જ પોલીસ તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.
શૌચાલયની બારી તોડીને થયો હતો ફરાર
મળતી વિગતો અનુસાર, આરોપી આશિષ વસૈયા સામે સગીરા પર બળાત્કાર અને પોક્સો (POCSO) કાયદા હેઠળ અત્યંત ગંભીર ગુનો નોંધાયો હતો. આ મામલે કાનૂની પ્રક્રિયા ચાલુ હતી તે દરમિયાન આરોપી હાલોલ પોલીસ સ્ટેશનના શૌચાલયની બારી તોડીને પોલીસને ચકમો આપીને ભાગી છૂટ્યો હતો. લોકઅપ અને પોલીસ મથકમાંથી જ આરોપી ફરાર થઈ જતાં સમગ્ર જિલ્લા પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ હતી અને તેની શોધખોળ માટે અલગ-અલગ ટીમો બનાવાઈ હતી.
