સુરેન્દ્રનગર શહેરમાં નવરાત્રિ મહોત્સવ દરમિયાન ખેલૈયાઓ અને નાગરિકોની સુરક્ષા સામે ગંભીર લાપરવાહી સામે આવી છે. શહેરમાં અનેક જગ્યાએ ફાયર NOC (Fire NOC) અને જરૂરી સેફ્ટીના સાધનો વગર જ ધમધમતા ગરબા આયોજનો ચાલી રહ્યા હોવાનો પર્દાફાશ થયો છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે નવરાત્રિના 5 દિવસ પૂર્ણ થઈ ગયા બાદ આખરે વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે અને તપાસ હાથ ધરી છે. તંત્રની આ મોડી જાગેલી નીતિને લઈને નાગરિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

માં ઈવેન્ટ સહિત 5 પાર્ટી પ્લોટને નોટિસ

સ્થાનિક તંત્ર અને ફાયર વિભાગ દ્વારા કરવામાં આવેલી સરપ્રાઈઝ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આયોજકો પાસે ફાયર સેફ્ટીના કોઈ પણ પ્રકારના અધિકૃત દસ્તાવેજો કે NOC ઉપલબ્ધ નહોતા. આ ગંભીર બેદરકારીને ધ્યાને રાખીને પ્રખ્યાત 'માં ઈવેન્ટ' સહિત કુલ 5 જેટલા મોટા પાર્ટી પ્લોટના આયોજકોને કારણદર્શક (Show Cause) નોટિસ ફટકારવામાં આવી છે. સ્થળ પર આગ પર કાબૂ મેળવવા માટેના પ્રાથમિક સાધનો પણ પૂરતા પ્રમાણમાં ન હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

નાગરિકોના જીવ સાથે ચેડાં થતાં હોબાળો

દરરોજ હજારોની સંખ્યામાં યુવાનો, મહિલાઓ અને બાળકો ગરબે ઘૂમવા માટે એકઠા થતાં હોય છે, ત્યારે આટલી મોટી સંખ્યામાં જનમેદની વચ્ચે ફાયર સેફ્ટીના નિયમોના ધજાગરા ઉડતા જોઈને સ્થાનિકોમાં ભારે હોબાળો મચી ગયો છે. જો ભૂલથી પણ કોઈ દુર્ઘટના સર્જાય તો તેનો જવાબદાર કોણ હોત? તેવા સવાલો પૂછાઈ રહ્યા છે. તંત્ર દ્વારા નોટિસ પાઠવીને તાત્કાલિક ધોરણે તમામ ફાયર સેફ્ટીના સાધનો અને યોગ્ય દસ્તાવેજો રજૂ કરવા આદેશ કરાયો છે, અન્યથા આયોજનો બંધ કરાવવા સુધીની કડક કાનૂની કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે.

આ પણ વાંચો : Ahmedabad News : બહેરામપુરાના એસ્ટેટમાં AMC હેલ્થ વિભાગના સપાટા, ટમેટા વગર બનેલા 2 ટન નકલી 'કેચઅપ'નો પર્દાફાશ