દક્ષિણ ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે વલસાડ જિલ્લાની પારડી પોલીસે એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં લાવ્યો છે. સુરતના જહાંગીરપુરા વિસ્તારની માતા-પુત્રીની જોડી કારમાં ગુપ્ત ખાના બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરતી પારડી નેશનલ હાઇવે-48 પરથી રંગેહાથ ઝડપાઈ ગઈ છે. પોલીસે દારૂ અને કાર સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શંકાસ્પદ જણાતી વેગનઆર કારને પોલીસે રોકી

મળતી માહિતી અનુસાર, પારડી પોલીસની ટીમ નેશનલ હાઇવે-48 પર નાકાબંધી અને વાહન ચેકિંગમાં હતી. તે દરમિયાન શંકાસ્પદ જણાતી વેગનઆર કારને રોકીને તલાશી લેવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી

ગુપ્ત ખાનાઓમાંથી દારુ છુપાવેલો મળ્યો 

પોલીસે તપાસ કરતા કારના ડેશબોર્ડ, દરવાજા તેમજ સીટની નીચે વિશેષ ગુપ્ત ખાનાઓ બનાવવામાં આવ્યા હતા. આ ખાનાઓમાંથી રૂ. 55,530 ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

માતા પુત્રીની અટકાયત

પોલીસે કારમાં સવાર સુરતમાં રહેતી મોહિની અને તેની માતા હંસાની સ્થળ પર જ અટકાયત કરી લીધી હતી. પારડી પોલીસે વિદેશી દારૂનો જથ્થો અને ગુનામાં વપરાયેલી વેગનઆર કાર મળીને કુલ રૂ. 2,61,030નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મહિલાઓ દ્વારા દારૂની આટલી શાતિર પદ્ધતિથી હેરાફેરી કરવાના આ કિસ્સાથી પોલીસ બેડામાં પણ ભારે ચર્ચા જાગી છે. પોલીસે બંને મહિલાઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે અંગે વધુ પૂછપરછ હાથ ધરી છે.  


આ પણ વાંચો  :   Sandesh Digital Explainer: મોરબીનો રહસ્યમય કૂવો: અફવા નહીં, જાણો વૈજ્ઞાનિક હકીકત