પાટણ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવા તેમજ હાઈવે પર ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે પોલીસે કડક ઝુંબેશ આદરી છે. આ અંતર્ગત રાધનપુરના વારાહી હાઈવે પર હોટલ વ્યવસાયની આડમાં ધમધમતા હાઈપ્રોફાઈલ દેહવ્યાપારના રેકેટનો પાટણ એસઓજી અને સ્થાનિક પોલીસે સફળતાપૂર્વક પર્દાફાશ કર્યો છે. વારાહી રોડ પર આવેલી ‘લકી હોટલ’ માં લાંબા સમયથી ગોરખધંધો ચાલતો હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી.
આવી રીતે પોલીસે ગોઠવ્યું સફળ છટકું
બાતમી એટલી ચોક્કસ હતી કે હોટલ સંચાલકને ભાગવાનો કે પુરાવા નાશ કરવાનો મોકો ન મળે તે માટે પોલીસે એક આયોજનબદ્ધ પ્લાન બનાવ્યો હતો. પોલીસે એક પોલીસ કર્મચારી અથવા ખાનગી વ્યક્તિને ‘ડમી ગ્રાહક’ (બોગસ ગ્રાહક) બનાવીને લકી હોટલના સંચાલક પાસે મોકલ્યો હતો. ડમી ગ્રાહકે ત્યાં જઈને યુવતીની માંગણી કરી નાણાંની લેવડદેવડ કરી હતી. સંચાલકે ગ્રીન સિગ્નલ આપતા જ બહાર વોચમાં ઊભેલી એસઓજી અને રાધનપુર પોલીસની ટીમોએ હોટલની અંદર એકસાથે દરોડો પાડી દીધો હતો.
