સ્વાદના શોખીનો જેના વગર ઉનાળો અધૂરો ગણે છે તે ગીરની વિશ્વપ્રસિદ્ધ કેસર કેરીએ આ વર્ષે તાલાલા માર્કેટિંગ યાર્ડમાં કમાણી અને આવકના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ગીર સોમનાથ જિલ્લાના તાલાલા યાર્ડમાં ચાલુ વર્ષે કેસર કેરીની બમ્પર આવક થતાં ખેડૂતોના ચહેરા પર અદ્ભુત ચમક જોવા મળી રહી છે. માર્કેટ યાર્ડના સત્તાવાર આંકડા મુજબ, ચાલુ સિઝનના માત્ર 39 દિવસમાં જ યાર્ડમાં 5.51 લાખ બોક્સની બમ્પર આવક નોંધાઈ ચૂકી છે. આ આંકડો ગત વર્ષના સમાન સમયગાળા કરતાં એક લાખ બોક્સ વધુ છે.

ખેડૂતોના ઘરમાં આવી 100 કરોડની લક્ષ્મી

આ વર્ષે કેસર કેરીની ગુણવત્તા અને પાક સારો હોવાને કારણે ગીર પંથકના ખેડૂતોને આર્થિક રીતે મોટો ફાયદો થયો છે. અત્યાર સુધીના વેપારમાંથી ગીરના ખેડૂતોને રૂ. 100 કરોડથી વધુની માતબર આવક થઈ ચૂકી છે. હાલમાં તાલાલા યાર્ડમાં દરરોજ સરેરાશ ૨૫ હજારથી વધુ કેરીના બોક્સની આવક થઈ રહી છે, જે દર્શાવે છે કે બજારમાં કેસરની માંગ કેટલી પ્રચંડ છે. આ વર્ષે કેરીનો સરેરાશ ભાવ રૂ. ૬૪૦ પ્રતિ બોક્સ રહ્યો છે, જે ગત વર્ષની સરખામણીએ ઘણો સારો અને નફાકારક હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.

15 જૂન સુધી સર્જાશે નવો ઈતિહાસ

ચાલુ વર્ષે આંબા પર પાક ઉતારવાની પ્રક્રિયા હજુ પણ વેગવંતી છે, જેના કારણે વેપારીઓ અને યાર્ડના સત્તાધીશો અંદાજ લગાવી રહ્યા છે કે આ સિઝન આગામી 15 જૂન સુધી અવિરત ચાલુ રહેશે. આ ઉપરાંત, આ વર્ષે કેરીમાંથી પલ્પ (રસ) બનાવતા મોટા કેનિંગ પ્લાન્ટો પણ સીધા યાર્ડમાંથી જથ્થાબંધ ખરીદીમાં જોડાયા છે. કેનિંગ પ્લાન્ટોની આ એન્ટ્રીને કારણે સામાન્ય ખેડૂતોને ઓપન માર્કેટમાં બહુ સારા ભાવ મળી રહ્યા છે. જો આગામી દિવસોમાં વાતાવરણ સાનુકૂળ રહેશે, તો ૧૫ જૂન સુધીમાં તાલાલા યાર્ડ તેના ઈતિહાસની સૌથી મોટી અને રેકોર્ડબ્રેક સિઝન પૂર્ણ કરશે.

આ પણ વાંચો: Surat: દર મહિને 300 ડાયમંડ આપવાનું કહીને છેતર્યા, અમેરિકાથી બહેન-બનેવીએ મોકલેલી મૂડી સુરતમાં ડૂબી