સુરતમાં લેબગ્રોન ડાયમંડના બિઝનેસમાં રોકાણના નામે કરોડો રૂપિયાની છેતરપિંડીની ઘટના પ્રકાશમાં આવતા વેપારી જગતમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ચોકબજાર વિસ્તારમાં આવેલા ‘હોફ ફર્નિચર’ ના માલિક અને ડાયમંડ વ્યવસાય સાથે સંકળાયેલા કેતન પટેલ નામના વેપારી આ વિશ્વાસઘાતનો ભોગ બન્યા છે. તેમની જ કંપની ‘એશિયન લેબગ્રોન ડાયમંડ’ ના બે ભાગીદારો અંકુશ નાકરાણી અને સંદીપ જસાણીએ સાથે મળીને કેતન પટેલને રૂ. ૩.૫૦ કરોડનો આર્થિક ચૂનો લગાવ્યો છે.

અમેરિકાથી નાણાં મંગાવી રોકાણ કર્યું હતું

વિગતવાર માહિતી મુજબ, આરોપીઓ અંકુશ અને સંદીપે કેતન પટેલને લેબગ્રોન હીરાના ઉત્પાદનમાં મોટો નફો રળી આપવાની લાલચ આપી હતી. આ બિઝનેસ સ્કીમ પર વિશ્વાસ મૂકીને કેતન પટેલે અમેરિકા (USA) માં રહેતા પોતાના બહેન-બનેવી પાસેથી મોટી રકમની લોન અને રોકાણ પેટે નાણાં મંગાવ્યા હતા. આ નાણાં તેમણે બિઝનેસમાં ઇન્વેસ્ટ કર્યા હતા. પરસ્પર વિશ્વાસ જળવાઈ રહે તે માટે આરોપીઓએ કાયદેસરનું નોટરાઇઝ લખાણ પણ કરી આપ્યું હતું, જેમાં એવું નક્કી થયું હતું કે તેઓ ફરિયાદીને દર મહિને ૩૦૦ નંગ લેબગ્રોન ડાયમંડ તૈયાર કરીને આપશે.

ઉત્પાદન બંધ કરી ફોન બંધ કરી દીધા

ડીલ કન્ફર્મ થયા બાદ શરૂઆતના થોડા સમય સુધી આરોપીઓએ વાયદા પ્રમાણે ડાયમંડ આપ્યા હતા, જેના કારણે કેતન પટેલનો વિશ્વાસ દ્રઢ થયો હતો. જો કે, મોટું રોકાણ આવી ગયા બાદ આરોપીઓએ અચાનક ડાયમંડનું ઉત્પાદન આપવાનું બંધ કરી દીધું હતું. આથી હીરા ન મળતા આગળનું વેચાણ અટકી ગયું હતું અને કરોડોનું રોકાણ ફસાઈ ગયું હતું. કેતન પટેલે જ્યારે પોતાના ૩.૫૦ કરોડ રૂપિયા પરત માંગ્યા, ત્યારે આરોપીઓએ વાયદાઓ કરવાના શરૂ કર્યા હતા અને અંતે પોતાના ફોન બંધ કરીને સંપર્ક કાપી નાખ્યો હતો.

 બંને ભાગીદારો વિરૂદ્ધ છેતરપિંડીની ફરિયાદ 

પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સ્પષ્ટ જણાતા કેતન પટેલે આખરે સુરત ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કર્યો હતો અને બંને ભાગીદારો વિરૂદ્ધ છેતરપિંડીની લેખિત ફરિયાદ નોંધાવી હતી. આ આર્થિક ગુનાની ગંભીરતાને જોતા કેસની તપાસ સુરત ઇકો સેલને સોંપવામાં આવી હતી. ઇકો સેલ પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે મોડી રાત્રે ઓપરેશન હાથ ધરીને આરોપી અંકુશ નાકરાણી અને સંદીપ જસાણીની ધરપકડ કરી લીધી છે અને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો: Gandhinagar News: અધિકારી અને કર્મચારીઓને શક્ય હોય ત્યાં સુધી ST કે રેલ્વેનો ઉપયોગ કરવો પડશે