ગુજરાતમાં અકસ્માતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ચોટીલા રાજકોટ હાઈવે પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. રાજકોટથી ચોટીલા તરફ જઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સની બસ અને ડામર ભરેલા ટ્રક વચ્ચે જબરદસ્ત ટક્કર વાગી હતી. આ ટક્કર બાદ વિકરાળ આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતની ઘટનામાં ચાર લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે 15 જેટલા લોકોને ગંભીર ઈજા પહોંચી હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે.
અકસ્માતને લીધે વિકરાળ આગ ફાટી નીકળી
પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરેન્દ્રનગરના ચોટીલાના ખોળિયા ગામ પાસે મોડી રાત્રે હાઈવે પર ખાનગી બસ અને ડામર ભરેલા ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટ્રકનું ટાયર ફાટી જવાને કારણે પાછથી આવી રહેલી ખાનગી બસ અથડાઈ હતી. આ અકસ્માત એટલે ભયંકર હતો કે, ટક્કર વાગતાં જ બસમાં શોર્ટ સર્કિટની ઘટના બની અને જોત જોતામાં આખી બસમાં આગ લાગી હતી. બસમાં સુઈ ગયેલા મુસાફરો કંઈક સમજે તે પહેલા જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
