ગુજરાતમાં સાયબર ફ્રોડ અને ડિજિટલ એરેસ્ટ જેવા બનાવો અટકાવવા પોલીસે ઓપરેશન મ્યૂલ એકાઉન્ટ શરૂ કર્યું છે. સાયબર ફ્રોડના નાણાં ટ્રાન્સફર કરવા માટે ભાડે અપાઈ રહેલા બેંક ખાતા સામે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે.રાજકોટમાં સાયબર ફ્રોડના નાણાં ટ્રાન્સફર કરવાનું દેશ વ્યાપી કૌભાંડ ઝડપાયું છે. ઓપરેશન મ્યુલ અંતર્ગત પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી છે. ભાડે આપવામાં આવેલા બેંક એકાઉન્ટમાં 380 કરોડ રૂપિયા ટ્રાન્સફર થયા હોવાની વિગતો સામે આવી છે.


ભાડે આપેલ એકાઉન્ટમાં 380 કરોડ ટ્રાન્સફર થયા

રાજકોટમાં ઓપરેશન મ્યુલ અંતર્ગત પોલીસે કાર્યવાહી કરી છે. સાયબર ફ્રોડના નાણાં ટ્રાન્સફર કરવા માટે માર્કેટિંગ યાર્ડની પેઢીના નામે બેંક એકાઉન્ટ ભાડે આપવામાં આવતું હતું. જે એકાઉન્ટમાં છેલ્લા દોઢ વર્ષમાં 380 કરોડ રૂપિયા જેટલી રકમ જમા થઈ હતી. બેંક એકાઉન્ટ ભાડે આપનારને લાખો રૂપિયાનું કમિશન આપવામાં આવતું હતું.

6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી

આ સમગ્ર કૌભાંડ છેલ્લા દોઢ વર્ષથી ચાલતુ હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે આ કૌભાંડના તાર છેક હૈદરાબાદ સુધી જોડાયેલા છે. પોલીસની તપાસમાં આ કૌભાંડમાં કૂલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં આંગડિયા પેઢીના બે કર્મચારીઓની પણ ધરપકડ કરાઈ છે. આ કૌભાંડમાં સમગ્ર દેશમાં 130 જેટલી સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાઈ છે. પોલીસે હજી પણ વધુ લોકો આ કૌભાંડમાં સંડોવાયેલા હોવાની શંકાએ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ Navsari: અમલસાડમાં લગ્નના જમણવારમાં હલવો-પુરી અઘરા પડ્યા, 150 કરતા વધારે લોકો હોસ્પિટલ ભેગા



  • Follow us on: