નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અમલસાડ ગામે લગ્ન પ્રસંગ દરમિયાન પીરસવામાં આવેલું ભોજન અનેક લોકો માટે આફત બનીને આવ્યું છે. લગ્ન પ્રસંગના જમણવારમાં 'હલવો અને પૂરી' ખાધા બાદ અંદાજે 150થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતા સમગ્ર પંથકમાં દોડધામ મચી ગઈ છે.


અમલસાડમાં લગ્નનું જમણવાર ઝેરી બન્યું

અમલસાડ ગામમાં આયોજિત એક લગ્ન પ્રસંગમાં અંદાજે 1200 જેટલા લોકો જમ્યા હતા. જમ્યાના થોડા કલાકો બાદ જ મહેમાનોને ઉલ્ટી, ઊબકા અને પેટમાં દુખાવાની ફરિયાદ શરૂ થઈ હતી. જોતજોતામાં બીમાર લોકોની સંખ્યા વધવા લાગતા તાત્કાલિક એમ્બ્યુલન્સ અને ખાનગી વાહનો દ્વારા અસરગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

હલવો-પૂરી ખાધા બાદ 150થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ

કુલ 155 જેટલા લોકોને પ્રાથમિક અને વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલની સ્થિતિએ 50થી વધુ લોકો હજુ પણ હોસ્પિટલમાં ડોક્ટરોની દેખરેખ હેઠળ સારવાર લઈ રહ્યા છે.અન્ય લોકોને પ્રાથમિક સારવાર આપી રજા આપવામાં આવી છે.સદનસીબે, હાલ તમામ દર્દીઓની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

આરોગ્ય વિભાગની કાર્યવાહી

ઘટનાની ગંભીરતાને જોતા નવસારી જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ તાત્કાલિક અમલસાડ પહોંચી હતી. આરોગ્ય વિભાગે સ્થિતિ પર કાબૂ મેળવ્યો છે અને લગ્નમાં પીરસવામાં આવેલા ખોરાકના નમૂના લઈ તેને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી આપ્યા છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પણ આ મામલે તપાસ તેજ કરવામાં આવી છે કે ભોજન બનાવવામાં વપરાયેલી સામગ્રીમાં ખામી હતી કે ગરમીના કારણે ખોરાક બગડી ગયો હતો.

આ પણ વાંચો: Surat: ઓલપાડના સાયણ પાસે હથિયાર સાથે આરોપી ઝડપાયો, પિસ્તોલ અને મેગેઝિન કબજે

  • Follow us on: