સુરત જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ બાતમીના આધારે કાર્યવાહી કરી ઓલપાડ તાલુકાના સાયણ વિસ્તારમાંથી એક શખ્સને ઘાતક હથિયાર સાથે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પકડાયેલો આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવતો હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
પિસ્તોલ અને મેગેઝિન સાથે યુવક પકડાયો
સુરત જિલ્લા એસ.ઓ.જી.ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે એક શખ્સ હથિયાર સાથે સાયણ વિસ્તારમાં ફરી રહ્યો છે. જેના આધારે પોલીસે સાયણના સંકલ્પ એવન્યુ સામે વોચ ગોઠવી હતી. તપાસ દરમિયાન કઠોર ગામના આકીબ જુનેદ શેખને અટકાવી તેની તલાશી લેતા તેની પાસેથી દેશી હાથ બનાવટની પિસ્તોલ અને એક મેગેઝિન મળી આવ્યું હતું.
વોન્ટેડ આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન
પોલીસે આરોપી આકીબ શેખ પાસેથી પિસ્તોલ, મેગેઝિન અને અન્ય ચીજવસ્તુઓ મળી કુલ રૂપિયા 85,500 નો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે આ હથિયાર તેને ઉત્તર પ્રદેશ (UP) ના અર્શદ ખાન નામના શખ્સે આપ્યું હતું. પોલીસે હવે અર્શદ ખાનને વોન્ટેડ જાહેર કરી તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
આરોપીનો ગુનાહિત ઈતિહાસ
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે ઝડપાયેલો આરોપી આકીબ શેખ રીઢો ગુનેગાર છે. તેની સામે અગાઉ સુરત શહેર અને જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં ચોરી અને મારામારી જેવા કુલ 5 ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. આ હથિયાર તેણે કોઈ મોટી ઘટનાને અંજામ આપવા માટે મેળવ્યું હતું કે કેમ તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: Gandhinagar: ગુજરાત વહીવટી સેવાના અધિકારીઓને બઢતીની ભેટ, પગાર ધોરણમાં થયો મોટો વધારો