રાજકોટ શહેરના ભગવતી વિસ્તારમાં ગતરોજ બે જૂથ વચ્ચે જૂની અદાવતને લઈને થયેલા માથાકૂટમાં ગંભીર હુમલો થયો હોવાનો ખુલાસો થયો છે. લુખ્ખા તત્વોએ તલવાર, પાઇપ અને ધારિયા જેવા તીક્ષ્ણ હથિયારોનો ઉપયોગ કરીને ખુલ્લેઆમ હુમલો કર્યો હતો. આ હુમલામાં એક રીક્ષામાં તોડફોડ કરવામાં આવી હતી અને રીક્ષાચાલકની હાલત ગંભીર હોવાથી તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, લુખ્ખાઓએ આખા ભગવતી વિસ્તારને બાનમાં લીધો હતો.
રાજકોટમાં લુખ્ખાઓનો બેફામ હુમલો
આ ઘટના બાદ પણ હુમલાખોરો વિરુદ્ધ પોલીસે તાત્કાલિક અને કડક કાર્યવાહી ન કર્યાનો આરોપ ભોગ બનનાર પરિવારે લગાવ્યો છે. પરિવારજનોએ પોલીસની ઢીલી નીતિ સામે આક્રોશ વ્યક્ત કરતા ચેતવણી આપી છે કે જો તેમને ન્યાય નહીં મળે અને હુમલાખોરો સામે કડક કાર્યવાહી નહીં થાય, તો તેઓ આત્મહત્યા કરશે. પરિવારના આ ઉગ્ર વિરોધ અને સ્થિતિની ગંભીરતાને જોતા સિવિલ હોસ્પિટલમાં હાલ પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. પોલીસે સમગ્ર ઘટનાના CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી દીધી છે અને હુમલાખોરોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.













