રાજકોટ શહેરમાં ડ્રગ્સ અને અન્ય નશાકારક પદાર્થોના દૂષણને ડામી દેવા માટે પોલીસ કમિશનરની કડક સૂચના અન્વયે આજીડેમ પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગ અને હ્યુમન સોર્સ ડેવલપમેન્ટ પર કામ કરી રહી હતી. આ દરમિયાન આજીડેમ પોલીસના સબ-ઇન્સ્પેક્ટર અને ટીમને એક અત્યંત ચોંકાવનારી ખાનગી બાતમી મળી હતી કે, ત્રંબા ગામની સીમમાં આવેલી એક વાડીમાં આર્થિક ફાયદા માટે પ્રતિબંધિત માદક પદાર્થ ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું છે. બાતમીના આધારે પોલીસે કોઈ પણ પ્રકારનો સમય ગુમાવ્યા વિના વાડી પર ત્રાટકીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
પોલીસ પણ ચોંકી ઉઠી, આ રીતે છુપાવ્યા હતા છોડ
જ્યારે પોલીસની ટીમ ત્રંબા ગામના પિયુષ રૈયાણી નામના શખ્સના ખેતરમાં તપાસ કરવા પહોંચી, ત્યારે સામાન્ય નજરે ત્યાં માત્ર આંબા અને ચીકુના મોટા ઝાડ દેખાતા હતા. પરંતુ પોલીસે જ્યારે ઝાડીઓની અંદર ઊંડા ઉતરીને ઝીણવટભરી તપાસ કરી તો અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આરોપી પિયુષે આજીડેમ પોલીસ અને ડ્રોન કેમેરાની નજરથી બચવા માટે આંબા અને ચીકુના મોટા ઘટાદાર ઝાડની બિલકુલ વચ્ચેની જગ્યામાં ગાંજાના છોડ રોપી દીધા હતા. પોલીસે ખેતરમાંથી એક પછી એક કરીને કુલ 37 નંગ લીલાછમ ગાંજાના છોડ શોધી કાઢીને મૂળ સમેત ઉખેડી કબ્જે લીધા હતા.










