ભરૂચ શહેરમાં આવેલી ઐતિહાસિક જામા મસ્જિદના મૂળ સ્વરૂપ અને અસ્તિત્વને લઈને ભારે કાનૂની અને ધાર્મિક વિવાદ ફાટી નીકળ્યો છે. આ મસ્જિદ કે જે પુરાતત્વ વિભાગ (ASI) ના સંરક્ષણ હેઠળ રાષ્ટ્રીય વારસાનું સ્થળ છે, તેના ભોંયરામાં કરવામાં આવેલી તપાસ દરમિયાન એક અકલ્પનીય રહસ્ય સામે આવ્યું છે. સંત સમાજ તરફથી આ કેસમાં કાનૂની લડત આપી રહેલા સ્વામી મુક્તાનંદે એક ચોંકાવનારો વીડિયો સાર્વજનિક કર્યો છે. આ વીડિયો કથિત રીતે ગત માર્ચ મહિનામાં પ્રશાસન અને નિષ્ણાતોની હાજરીમાં કરવામાં આવેલી ગુપ્ત તપાસ દરમિયાન શૂટ કરવામાં આવ્યો હતો.
બંધ ચેમ્બરમાંથી મળ્યા જૈન સ્થાપત્યના અવશેષો
જાહેર થયેલા વીડિયો અને દાવો કરનારા ધાર્મિક નેતાઓના જણાવ્યા મુજબ, મસ્જિદના ભોંયરામાં એક એવો દરવાજો હતો જે છેલ્લા 700 વર્ષથી ક્યારેય ખોલવામાં આવ્યો ન હતો. પુરાતત્વ વિભાગની પ્રક્રિયા દરમિયાન આ દરવાજો ખોલવામાં આવતા અંદર એક પથ્થરની કોતરણીવાળી વિશાળ શીલા (પિલર) જોવા મળી હતી. આ શીલા પર પ્રાચીન જૈન સ્થાપત્યની અદભુત કોતરણી છે અને તેની અંદર જૈન ધર્મના 19મા તીર્થંકર ભગવાન મલ્લિનાથ તેમજ અન્ય જૈન દેવતાઓની અતિ પ્રાચીન મૂર્તિઓ કંડારેલી હોવાનો દાવો કરાયો છે. જોકે, પુરાતત્વ વિભાગ (ASI) એ હજુ સુધી આ મૂર્તિઓની ચોક્કસ પુરાતત્વીય ઉંમર કે સત્તાવાર ઓળખ અંગે પોતાની આખરી મહોર મારી નથી અને કોઈ સત્તાવાર નિવેદન આપવાથી બચી રહ્યું છે.










