રાજકોટ ગ્રામ્ય પોલીસ કમિશનરની પ્રોહિબિશન નાબૂદીની સખત સૂચનાઓ વચ્ચે ભાયાવદર પોલીસની ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (ERSS - 112) પોતાના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન સાતવડી-પડવલા રોડ પરથી પસાર થઈ રહેલી એક શંકાસ્પદ લક્ઝરી કાર પર પોલીસની નજર પડી હતી. પોલીસે કારચાલકને ઉભા રહેવા ઈશારો કર્યો હતો, પરંતુ અંદર બેઠેલા બુટલેગરોએ પોલીસને જોઈને ગાડી ઉભી રાખવાને બદલે પાનેલી તરફ જવાના રસ્તે પૂરપાટ ઝડપે ભગાવી મૂકી હતી.
પોલીસે વછૂટેલા તીરની જેમ પીછો કર્યો
બુટલેગરો ભાગતા જ 112 નંબરની પોલીસ ટીમે પણ સરકારી વાહનની સાયરન ચાલુ કરીને ફિલ્મી ઢબે આ કારનો પીછો શરૂ કર્યો હતો. પોલીસની સ્પીડ અને સતત પીછો જોઈને કાર ચલાવી રહેલા બુટલેગરના મનમાં ભારે ભય પેસી ગયો હતો. પડવલા ગામ નજીક વળાંક પાસે કારની ઓવરસ્પીડના કારણે ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. ક્ષણભરમાં જ દારૂ ભરેલી આ કાળી કાર રોડ પરથી ઉતરીને ગોથા ખાતી પલટી મારી ગઈ હતી.










