રાજકોટ શહેરના સોની બજાર વિસ્તારમાં દિવાળી પૂર્વે રૂપિયા 4 લાખની કિંમતના સોનાના તારની લૂંટ થઈ હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી હતી.આ બનાવ અંગે ફરિયાદી સચીન મીણાએ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી કે અજાણ્યા શખ્સોએ લિફ્ટ લેવાના બહાને તેને રસ્તામાં રોક્યો હતો.ત્યારબાદ તે શખ્સોએ અચાનક છરી બતાવી તેને ડરાવીને તેની પાસેથી સોનાના તારની લૂંટ ચલાવી હતી અને નાસી છૂટ્યા હતા.લિફ્ટ માંગવાના બહાને છરી બતાવી લૂંટ આચરાઈ હોવાની ફરિયાદ નોંધાતા જ રાજકોટ પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી અને પોલીસે સમગ્ર વિસ્તારમાં તપાસ તેજ કરી હતી.
રાજકોટમાં સોનાની લૂંટનો ભેદ ઉકેલાયો
પોલીસની ઝીણવટભરી તપાસ દરમિયાન ફરિયાદીની શંકાસ્પદ ભૂમિકા જણાતાં સમગ્ર મામલા પરથી પડદો ઊંચકાયો હતો અને ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. ઊંડાણપૂર્વકની તપાસમાં સામે આવ્યું કે લૂંટની આવી કોઈ ખરી ઘટના બની જ નહોતી પરંતુ દિવાળી પૂર્વે આયોજનબદ્ધ રીતે લૂંટનું તદ્દન ખોટું નાટક રચવામાં આવ્યું હતું.પોલીસ તપાસમાં એ હકીકત સ્પષ્ટ થઈ હતી કે દિવાળીના તહેવારમાં પૈસાની તાતી જરૂરિયાત ઊભી થતાં આ આખી લૂંટનું તરકટ રચવામાં આવ્યું હતું.ફરિયાદી સચીન મીણા પોતે જ આ કાવતરાનો મુખ્ય માસ્ટરમાઇન્ડ નીકળ્યો હતો.જેણે પોતાના ત્રણ મિત્રો સાથે મળીને સોનાના તારની લૂંટનું આ પૂર્વઆયોજિત કાવતરું ઘડ્યું હતું.ફરિયાદીએ પોતાના સાગરીતો સાથે મળીને લૂંટનું ખોટું તરકટ રચી સોનાના તાર પોતાના કબજામાં છુપાવી રાખવાની ગણતરી રાખી હતી.
