રાજકોટ શહેર પોલીસમાં વિવાદોનું ઘોડાપૂર અટકવાનું નામ નથી લઈ રહ્યું. તાજેતરમાં વિવાદિત બની ગયેલા PSI એ. એસ. ગળચર વિરુદ્ધ વધુ એક પીડિત પરિવાર મીડિયા અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સમક્ષ આવ્યો છે. જમીન અને નાણાકીય હવાલાના મામલે છેલ્લા બે જ દિવસમાં રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે PSI ગળચર સામે આ બીજી લેખિત ફરિયાદ નોંધાતાં પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે.
ફરિયાદી સંજય ડોબરિયાએ લગાવ્યા કરોડોની ગેરરીતિના આક્ષેપ
રાજકોટના મોરબી રોડ પર વ્રજભૂમિ રેસિડેન્સીમાં રહેતા ફરિયાદી સંજયભાઈ લાલજીભાઈ ડોબરિયાએ રાજકોટ પોલીસ કમિશનરને તા. 27 ઓગસ્ટ 2026ના રોજ સત્તાવાર ફરિયાદ અરજી સુપ્રત કરી છે. ફરિયાદ મુજબ, બાંધકામ અને ડેવલપમેન્ટ ભાગીદારી પેઢીના હિસાબી વિવાદમાં તેમના ભાગીદારો પાસેથી આશરે રૂ. 7.50 કરોડની રકમ વસૂલ કરવાની હતી. આ મામલે તેઓએ ક્રાઈમ બ્રાન્ચમાં અરજી કરી હતી, પરંતુ ન્યાય મળવાને બદલે ખુદ ફરિયાદીને જ પીડિત બનાવી દેવામાં આવ્યા હતા.
PSI ગળચર અને વચેટિયા હર્ષિત જાનીની શંકાસ્પદ ભૂમિકા
અરજીમાં જણાવ્યા અનુસાર, તત્કાલીન રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના PSI એ. એસ. ગળચર અને મધ્યસ્થી/વચેટિયા તરીકે કામ કરતા હર્ષિત જાનીએ ફરિયાદી પર દબાણ ઊભું કર્યું હતું. રૂ. 7.50 કરોડની જગ્યાએ માત્ર રૂ. 5 કરોડનું સેટલમેન્ટ સ્વીકારવા મજબૂર કરાયા હતા. આ સેટલમેન્ટમાંથી PSI ગળચરે પોતાની "ફી" પેટે રૂ. 1 કરોડ અને હર્ષિત જાની માટે રૂ. 20 લાખ માંગ્યા હોવાનો સંગીન આક્ષેપ અરજીમાં કરવામાં આવ્યો છે.

રૂ. 7.50 કરોડના બદલે હાથમાં આવ્યા માત્ર રૂ. 60 લાખ
ફરિયાદી સંજય ડોબરિયાના જણાવ્યા મુજબ, જમીનના તૃતીય પક્ષને વેચાણ અને બાર્ટર વ્યવહારો બાદ પણ તેમની સાથે વિશ્વાસઘાત થયો છે. રૂ. 7.50 કરોડના લેણાં સામે અત્યાર સુધીમાં તેમને માત્ર રૂ. 60 લાખ જેટલી બાર્ટર કિંમત અને રૂ. 5,100 ટોકન રોકડા મળ્યા છે. બાકીની કરોડોની રકમ અન્ય વ્યક્તિઓના નિયંત્રણમાં જતી રહી હોવાની અને બેંક એકાઉન્ટ્સ/CCTV ફૂટેજની તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવવાની આશંકા વ્યક્ત કરાઈ છે.

રાજકીય નેતાઓ અને ઉચ્ચ હોદ્દેદારોના નામે ધમકી આપ્યાનો આરોપ
ફરિયાદી અને તેમના પરિવારે આક્ષેપ કર્યો છે કે, વચેટિયો હર્ષિત જાની ક્રાઈમ બ્રાન્ચ અને EOW માં અડિંગો જમાવીને બેસતો હતો. તે પોતાને ઉચ્ચ રાજકીય સંબંધો ધરાવતો હોવાનું કહી ધમકાવતો હતો. આ ઉપરાંત, અર્જુન મોઢવાડિયા અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નામનો ઉપયોગ કરીને પણ ફરિયાદી પરિવાર પર દબાણ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. PSI ગળચરના માણસોએ માર મારવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ કરાયા છે.

પીડિત પરિવાર મીડિયા સમક્ષ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો
પોલીસ કચેરી બહાર મીડિયા સાથે વાતચીત કરતી વખતે ફરિયાદીના પત્ની અત્યંત ભાવુક થઈ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા હતા. તેમણે પોતાની આપવીતી જણાવતા કહ્યું હતું કે, અમે ન્યાયની આશા જ છોડી દીધી છે. અમારું રાંધ્યા ધાન ખાવું હરામ થઈ ગયું છે. પોલીસે જ અમારી મિલકતો અડધા ભાવે વેચાવી દીધી. અમે ફરિયાદી બનીને પોલીસ પાસે મદદ માંગવા ગયા હતા અને અમને જ પીડિત બનાવી દેવાયા.

સ્વતંત્ર SIT રચના અને FIR નોંધવાની માગ
સંજય ડોબરિયાએ પોલીસ કમિશનરને આપેલી અરજીમાં સ્થાનિક કક્ષાને બદલે વરિષ્ઠ અધિકારીઓના નિયંત્રણ હેઠળ સ્વતંત્ર SITની રચના કરવાની માગ કરી છે. આ સાથે PSI એ. એસ. ગળચર અને હર્ષિત જાની સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 7, ભારતીય ન્યાય સંહિતાની કલમ 316, કલમ 318 અને કલમ 61 હેઠળ કડક કાનૂની કાર્યવાહી કરવા વિનંતી કરી છે.
આ પણ વાંચો - Rajkot News: વિવાદમાં આવી EOW પોલીસ, PSI અને ASI સામે CPને લેખિત ફરિયાદ