રાજકોટ શહેરના રૈયા ટેલિફોન એક્સચેન્જ રોડ પર આવેલા શિવાલિક એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર ૧૦૨ માં શુક્રવારે રાત્રે થયેલી શિલ્પાબેન નામની મહિલાની ક્રૂર હત્યાનો ભેદ ઉકેલવામાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. પત્નીના માથામાં હથોડીના ઘા ઝીંકી ક્રૂરતાપૂર્વક હત્યા કરનાર હત્યારા પતિ અલ્તાફ લાલાણીને પોલીસે જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતેથી ઝડપી પાડ્યો છે.

અનૈતિક સંબંધો અને કૌટુંબિક કંકાસનો કરુણ અંત

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવેલી વિગતો અનુસાર, મૃતક શિલ્પાબેનને રાજકોટના રૈયાધાર વિસ્તારમાં રહેતા જીતુ નામના વ્યક્તિ સાથે કથિત રીતે અનૈતિક સંબંધો હતા. આ બાબતને લઈને પતિ અલ્તાફ લાલાણી અને શિલ્પાબેન વચ્ચે લાંબા સમયથી ઘરમાં ભારે ઝઘડા અને કંકાસ ચાલતો હતો. શુક્રવારે આ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. આવેશમાં આવેલા અલ્તાફે ઘરમાં રહેલી હથોડી વડે શિલ્પાબેનના માથા પર ઉપરાઉપરી ઘા ઝીંકી દીધા હતા. આ ભયાનક ઘટના સમયે શિલ્પાબેનનો સગો ભાણેજ પણ ઘરમાં હાજર હતો અને તેની નજર સામે જ તેની માસી લોહીલુહાણ થઈને ઢળી પડી હતી. શિલ્પાબેનનું ઘટનાસ્થળે જ મોત નીપજતાં અલ્તાફ ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

ક્રાઇમ બ્રાન્ચે આ રીતે દબોચ્યો

ઘટનાની ગંભીરતાને જોતાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનીક પોલીસની અલગ-અલગ ટીમો હત્યારાને પકડવા માટે કામે લાગી હતી. પોલીસને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સોર્સ દ્વારા બાતમી મળી હતી કે ગુનો આચર્યા બાદ આરોપી અલ્તાફ જૂનાગઢ તરફ ભાગી ગયો છે અને તે કેશોદ આસપાસ છુપાયો છે. આ ચોક્કસ લોકેશન મળતા જ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કેશોદમાં વોચ ગોઠવીને અલ્તાફ લાલાણીને કોર્ડન કરી ઝડપી લીધો હતો. હાલ પોલીસ તેને રાજકોટ લાવી રહી છે અને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો: Ahmedabad: ગુજરાતમાં આજથી તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટશે,4 જૂન સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી