ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી અગનભઠ્ઠી જેવી ગરમીનો સામનો કરી રહેલા લોકો માટે આખરે રાહતના સમાચાર આવ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં આજથી ગરમીનો પારો 2 થી 3 ડિગ્રી જેટલો નીચે જશે, જેના કારણે લોકોને અસહ્ય લૂમાંથી મુક્તિ મળશે. હાલમાં અમદાવાદ 43.1 ડિગ્રી અને ભાવનગર 42.7 ડિગ્રી સાથે સૌથી ગરમ નોંધાયા છે, પરંતુ ઉત્તર અને મધ્ય ગુજરાત તરફથી આવી રહેલી વરસાદી સિસ્ટમને કારણે તાપમાન ઝડપથી ઘટશે.

આજથી 4 જૂન સુધી તોફાની વરસાદની આગાહી

તાપમાનમાં ઘટાડાની સાથે જ રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવીટી સત્તાવાર રીતે શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગે 30 મે થી ૪ જૂન સુધી સમગ્ર રાજ્યમાં ગાજવીજ અને તીવ્ર પવન સાથે વરસાદની આગાહી કરી છે. આ પ્રિ-મોન્સૂન સિસ્ટમ દરમિયાન પવનની ગતિ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાક જેટલી આકરી રહેવાની શક્યતા છે. આજે 30 મે ના રોજ સરહદી કચ્છ, બનાસકાંઠા, પાટણ તેમજ પૂર્વ પટ્ટીના પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં સાંજના સમયે વાતાવરણ પલટાશે અને ધૂળની ડમરીઓ સાથે વરસાદી ઝાપટાં પડી શકે છે.

જૂન મહિનાની શરૂઆતમાં આખા ગુજરાતમાં મેઘમહેર

વાતાવરણનો આ પલટો આગામી દિવસોમાં વધુ મજબૂત બનશે. 31 મે ના રોજ મહેસાણા અને સાબરકાંઠા સહિતના વિસ્તારો પલળશે. જ્યારે 1 જૂનના રોજ ચોમાસા પૂર્વેની આ સિસ્ટમ મધ્ય ગુજરાતમાં લંબાશે, જેના કારણે અમદાવાદ, ગાંધીનગર, ખેડા અને આણંદમાં ધમાકેદાર વરસાદ પડી શકે છે. આગામી 2 જૂનના રોજ આ સિસ્ટમ સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને પણ આવરી લેશે. હવામાન વિભાગે માછીમારો અને ખેડૂતોને આ તીવ્ર પવન અને ગાજવીજ દરમિયાન સાવચેત રહેવા અને ખેત પેદાશોને સુરક્ષિત જગ્યાએ ખસેડી લેવા ખાસ સૂચના આપી છે.

આ પણ વાંચો: Donald Trumpની ઈરાનને આખરી ચેતવણી, “પરમાણુ બોમ્બ બનાવવાનું છોડો તો જ હોર્મુઝ સ્ટ્રેટમાંથી હટાવીશું આર્મી”