ગુજરાતના વાહનચોરીના ઇતિહાસમાં ટેક્નોલોજીના હાઈ-લેવલ દુરુપયોગનો એક સ્તબ્ધ કરી દેનારો કિસ્સો રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે શોધી કાઢ્યો છે. સામાન્ય રીતે વાહનચોરો ચાવી ડુપ્લિકેટ બનાવીને અથવા વાયર શોર્ટ કરીને ગાડી ચોરતા હોય છે, પરંતુ રાજકોટ પોલીસે પકડેલી આ ગેંગ ડિજિટલ યુગના એડવાન્સ ટૂલ્સનો ઉપયોગ કરતી હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે મુકેશકુમાર મેઘવાલ અને સલામ ઉર્ફે છોટિયો યુસુફ ખાન નામના બે શખ્સોને દબોચી લીધા છે. તેમની પાસેથી અલગ-અલગ જિલ્લામાંથી ચોરેલી ૩ વૈભવી કાર સહિત ગુનામાં વપરાતી હાઈટેક કિટ જપ્ત કરવામાં આવી છે. આ ગેંગ પકડાતા જ સુરેન્દ્રનગર, મહેસાણા અને જામનગર પંથકના વણઉકેલાયેલા વાહનચોરીના ગુનાઓ પરથી પડદો ઊંચકાયો છે.
આવી હતી ચોરી કરવાની હાઈટેક મોડસ ઓપરેન્ડી
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ જે પદ્ધતિની કબૂલાત કરી છે, તે સાંભળીને ઓટોમોબાઈલ એન્જિનિયરો અને પોલીસ અધિકારીઓ પણ આશ્ચર્યમાં મૂકાઈ ગયા છે. આ ગેંગ ખાસ કરીને સુઝુકી કંપનીની કારોની રેકી કરતી હતી. રાત્રિના સમયે અથવા અવાવરૂ જગ્યાએ કાર પાર્ક થયેલી હોય ત્યારે તેઓ સર્વ પ્રથમ કારનો કાચ તોડી અંદર ઘૂસતા હતા. ત્યારબાદ સ્ટેરિંગની નીચે એક શક્તિશાળી મેગ્નેટ (ચુંબક) ફિટ કરીને સ્ટેરિંગ લોકને મેગ્નેટિક ફોર્સથી અનલોક કરી દેતા હતા.
કાર માત્ર 5 જ મિનિટમાં સેલ્ફ સ્ટાર્ટ થઈ જતી
સૌથી મહત્વનો ભાગ ત્યારબાદ શરૂ થતો, જેમાં તેઓ કારના ઓન-બોર્ડ ડાયગ્નોસ્ટિક્સ (OBD) પોર્ટ અથવા વાયરિંગ સિસ્ટમ સાથે પોતાનું ખાસ બ્લૂટૂથ ડિવાઇસ કનેક્ટ કરતા હતા. આ ડિવાઇસને તેઓ પોતાના મોબાઇલ ફોનમાં ઇન્સ્ટોલ કરેલી પ્રખ્યાત કાર ડાયગ્નોસ્ટિક એપ્લિકેશન 'DiagZone Pro' સાથે લિંક કરી દેતા હતા. આ એપ્લિકેશન દ્વારા કારના મુખ્ય ઇલેક્ટ્રોનિક કંટ્રોલ યુનિટ (ECU) ને કમાન્ડ આપીને કારના ડિજિટલ સિક્યોરિટી કોડ બાયપાસ કરી દેવાતા હતા. આ પ્રક્રિયા પૂરી થતાં જ કાર કોઈપણ ઓરિજિનલ ચાવી વગર માત્ર 5 જ મિનિટમાં સેલ્ફ સ્ટાર્ટ થઈ જતી હતી. કાર માલિક સવારે જાગીને જુએ તે પહેલાં આ લોકો શહેરની સરહદો વટાવી ચૂક્યા હોય છે.
પેરોલ જમ્પ કરીને ગુનાખોરીનું નવું નેટવર્ક ઊભું કર્યું
પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં સામે આવ્યું છે કે, પકડાયેલો આરોપી સલામ ઉર્ફે છોટિયો એક અત્યંત ખતરનાક ગુનેગાર છે. તેની સામે રાજસ્થાનના જોધપુરના પ્રતાપનગર પોલીસ સ્ટેશનમાં મર્ડર (હત્યા) નો ગુનો નોંધાયેલો છે અને તે જેલમાં સજા કાપી રહ્યો હતો. જોકે, વર્ષ 2026 દરમિયાન તે પેરોલ રજા પર જેલની બહાર આવ્યો હતો, પરંતુ મુદત પૂરી થવા છતાં જેલમાં પરત ફરવાને બદલે પેરોલ જમ્પ કરીને ગુજરાત ભાગી આવ્યો હતો. અહીં આવીને તેણે મુકેશ મેઘવાલ (જેની સામે વલસાડ, કચ્છ અને સુરેન્દ્રનગરમાં ઓલરેડી 4 ગુના નોંધાયેલા છે) સાથે મળીને આ ડિજિટલ ચોરીનું નવું નેટવર્ક શરૂ કર્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે બંને આરોપીઓના કોર્ટમાંથી રિમાન્ડ મેળવ્યા છે અને રાજ્યના અન્ય કયા કયા શહેરોમાં તેમણે આ રીતે કારોની સિસ્ટમ હેક કરીને ચોરી કરી છે તે દિશામાં સઘન પૂછપરછ હાથ ધરી છે.
આ પણ વાંચો: Botad: ઇન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવાના મુદ્દે ખસ રોડ પર લોહિયાળ ખેલ, 1નું મોત 2 ઇજાગ્રસ્ત