રાજકોટ શહેર મધરાત્રિના સમયે ખૂની ચીસોથી ધ્રુજી ઉઠ્યું હતું. શહેરના ગોપાલ ચોક વિસ્તારમાં નાણાકીય બાબતોની જૂની અદાવત અને ઉઘરાણીના ચાલતા વિવાદે ઉગ્ર અને હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું. મોડી રાત્રે ધોળકિયા પરિવારના સભ્યો વચ્ચે કોઈ કથિત રકમ મામલે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વાત આટલેથી ન અટકતા, આરોપી હાર્દિક ધુળાભાઈ ધોળકિયા એકાએક ઉશ્કેરાઈ ગયો હતો અને તેની પાસે રહેલી તીક્ષ્ણ છરી વડે પિતા, પુત્ર અને કાકા પર આડેધડ હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું.
રાજકોટમાં નાણાકીય બાબતે હુમલો
આ અચાનક થયેલા પાશવી હુમલાના કારણે ગોપાલ ચોક જેવા રહેણાંક અને વ્યસ્ત વિસ્તારની સડકો લોહીથી લાલ થઈ ગઈ હતી. હુમલામાં સુરેશ ધોળકિયા, રાજેશ ધોળકિયા સહિત પરિવારના સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ચીસાચીસ થતાં આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા અને લોહીલુહાણ હાલતમાં તમામને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
એકનું કરુણ મોત અને આરોપી પર સકંજો
ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયેલા સુરેશ ધોળકિયાને છરીના ઊંડા ઘા વાગ્યા હોવાથી અને અતિશય લોહી વહી ગયું હોવાથી, સારવાર દરમિયાન જ તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ સાથે જ આ સમગ્ર મામલો હવે હત્યાના ગુનામાં ફેરવાઈ ગયો છે. અન્ય ઇજાગ્રસ્ત રાજેશ ધોળકિયાની હાલત પણ અત્યંત નાજુક હોવાનું તબીબો જણાવી રહ્યા છે. બીજી તરફ, હુમલો કરનાર આરોપી હાર્દિક ધોળકિયા પણ આ ઝપાઝપીમાં ઇજાગ્રસ્ત બન્યો હતો, જેને સ્થાનિક લોકો અને પોલીસની મદદથી ખાનગી હોસ્પિટલમાં જ સારવાર માટે ખસેડાયો છે, જ્યાં પોલીસ તેને રજા મળતા જ સત્તાવાર લોકઅપ ભેગો કરશે.
હોસ્પિટલ પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત
ઘટનાની જાણ થતાં જ રાજકોટ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટનાસ્થળે તેમજ હોસ્પિટલ ખાતે દોડી ગઈ હતી. કોઈપણ અનિચ્છનીય બનાવ કે જૂથ અથડામણ ન થાય તે માટે હોસ્પિટલ પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવાની પ્રક્રિયા હાથ ધરી છે અને આરોપી હાર્દિક વિરૂદ્ધ હત્યા તેમજ હત્યાના પ્રયાસની કડક કલમો હેઠળ ગુનો નોંધીને કાનૂની પુરાવા એકત્ર કરવા તપાસ તેજ કરી છે.
આ પણ વાંચો: Ahmedabad: ગેરકાયદે ચાલતી ફટાકડા ફેક્ટરીઓ સામે કાર્યવાહી, મોટી હોનારત ટાળવા ફાયર વિભાગે દારૂગોળાના જથ્થા પર પાણી ફેરવ્યું