રાજકોટમાં સંગઠિત ગુનાખોરી સામે પોલીસની કાર્યવાહી વધુ કડક બની છે. શહેરમાં વધુ એક ગેંગ વિરુદ્ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ (GUJCTOC) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ વખતે રામદેવ ડાંગરની ટોળકીને કાયદાના સકંજામાં લેવામાં આવી છે. ગેંગના કુલ પાંચ આરોપીઓ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
ક્રાઈમ બ્રાન્ચે ત્રણ આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કર્યા
ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં ઝડપી કાર્યવાહી કરતા પાંચમાંથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે, જ્યારે બાકીના આરોપીઓને ઝડપી પાડવા માટે શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ગેંગના સભ્યો હત્યા, હત્યાની કોશિશ, આર્મ્સ એક્ટ સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા છે. પોલીસના જણાવ્યા મુજબ, રામદેવ ડાંગરની ટોળકી વિરુદ્ધ અત્યાર સુધીમાં કુલ 52 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. સંગઠિત રીતે ગુનાખોરી આચરતી આ ગેંગ લાંબા સમયથી કાયદા અને વ્યવસ્થા માટે પડકારરૂપ બની હતી. ગુજસીટોક હેઠળની કાર્યવાહીથી ગેંગના નેટવર્કને તોડવામાં મહત્વની સફળતા મળશે તેવી પોલીસને આશા છે.













