રાજકોટ જિલ્લાના જસદણમાંથી વ્યાજખોરોના વધતા જતા ત્રાસ અને તેમની અમાનવીય પઠાણી ઉઘરાણીનો વધુ એક ભોગ લેવાયાની હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. જસદણની સોલિટર સોસાયટીમાં રહેતા જયદીપ વિનુ કાલ્યાણી નામના યુવકે વ્યાજખોરોના માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે. યુવકના અચાનક આ પગલાંથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને સમગ્ર જસદણ પંથકમાં ભારે હલચલ મચી ગઈ છે. વ્યાજના વિષચક્રમાં ફસાયેલા માસૂમ યુવકે પોતાના જીવનનો અંત લાવવો પડ્યો તે અત્યંત ચિંતાજનક બાબત છે.

3 લાખ સામે ચૂકવ્યા 4.5 લાખ

આ ઘટનાની તપાસ કરી રહેલી પોલીસને મૃતક યુવકના થેલામાંથી એક મહત્વપૂર્ણ સુસાઈડ નોટ મળી આવી છે, જેમાં ત્રણ વ્યક્તિઓના નામનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સુસાઈડ નોટ મુજબ મૃતકે વલ્લભ નરશી કાસેલા, લક્ષ્મણ જસા ચાવડા અને રતા ભરવાડ પાસેથી અલગ-અલગ સમયે નાણાં વ્યાજે લીધા હતા. ચોંકાવનારી વાત એ છે કે મૃતક દ્વારા અસલ રૂપિયા 3 લાખના બદલામાં અત્યાર સુધીમાં રૂ. 4.5 લાખ જેટલી માતબર રકમ ચૂકવી દેવા છતાં આ વ્યાજખોરો દ્વારા અટક્યા વગર પઠાણી ઉઘરાણી ચાલુ રાખીને વધુ નાણાં માટે દબાણ કરવામાં આવતું હતું.

Rajkot MRUTAK

જસદણ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી

યુવકના આપઘાત બાદ પરિવારજનો અને સગાંસંબંધીઓમાં રોષની સાથે ભારે ગમગીની છવાઈ ગઈ છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પરિવારે માંગ કરી છે કે આ દુર્ઘટના પાછળ જવાબદાર તમામ વ્યાજખોરો સામે કડક દાખલારૂપ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. જસદણ પોલીસ દ્વારા સુસાઈડ નોટને આધાર બનાવીને યુવકના મોત પાછળના તમામ પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે, અને ટૂંક સમયમાં જ આ રેકેટ સાથે સંકળાયેલા શખ્સો પોલીસ સકંજામાં આવશે તેવી શક્યતા છે.

આ પણ વાંચો : Rajkot Liquor Party : દરોડા પડે છે પણ કઠોર કાર્યવાહી કેમ થતી નથી? પોલીસની કામગીરી સામે લોકમુખે ઉઠતા સવાલો