રાજકોટ શહેરમાં અવારનવાર હોટેલો, પાર્ટી પ્લોટો કે ફાર્મહાઉસમાં ચાલતી દારૂની મહેફિલ પર પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવતા હોય છે, પરંતુ આ કાર્યવાહીઓ માત્ર કાગળ પર જ પાવરધી સાબિત થતી હોવાના ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. તાજેતરમાં સરાઝા હોટેલ ખાતે આયોજિત એક બર્થડે પાર્ટીમાં દારૂની મહેફિલ ઝડપાયા બાદ ફરી એકવાર પોલીસની કામગીરી ચર્ચાના કેન્દ્રમાં આવી છે. અગાઉ પણ અનેક વખત દારૂ પાર્ટીઓ પર પોલીસ રેડ કરી ચૂકી છે, પરંતુ એક પણ પ્રકરણમાં અત્યાર સુધી કોઈ નક્કર કે દાખલારૂપ કડક કાર્યવાહી જોવા મળી નથી, જેના કારણે કાયદાના અમલ સામે અનેક આશંકાઓ સેવાય રહી છે.

ભૂતકાળના દરોડાઓની પોલ ખુલ્લી

રાજકોટના પોલીસ ઇતિહાસ પર નજર કરીએ તો અગાઉ પણ મોટા કૌભાંડો સામે આવ્યા છે. વર્ષ 2012માં જીમખાનામાં દારૂ અને જુગાર અંગે મોટા પાયે દરોડા પાડવામાં આવ્યા હતા, તો વળી 2019માં એક નિવૃત્ત એએસઆઈ (ASI) ની દારૂ પાર્ટીમાં પણ પોલીસે ધામા નાખીને રેડ કરી હતી. તે સમયે પણ મોટા પાયે સનસનાટી મચી ગઈ હતી, પરંતુ સમય જતાં આ તમામ મોટા દરોડા અને રેડની તપાસ માત્ર કાગળની કાર્યવાહી બનીને રહી ગઈ. કેસો નબળા પડતા ગયા અને આરોપીઓ કાયદાની છટકબારીનો લાભ લઈને છૂટી ગયા.

પ્રશાસનની પારદર્શિતા સામે સવાલ

આ સમગ્ર વિવાદ પાછળનું મુખ્ય કારણ એવું ચર્ચાઈ રહ્યું છે કે જ્યારે પણ કોઈ માલેતુજાર કે લાગવગીયા શખ્સો આ પ્રકારના ગુનામાં પકડાય છે, ત્યારે જાણી જોઈને તપાસમાં નબળા પુરાવાઓ રાખવામાં આવે છે અથવા અંદરખાને ગોઠવણ કરી દેવામાં આવે છે. આ પ્રકારની વરવી વાસ્તવિકતાના કારણે સામાન્ય જનતામાં પોલીસ તંત્રની નિષ્પક્ષતા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. જો કાયદાનું શાસન ખરેખર સ્થાપિત કરવું હોય તો માત્ર દેખાડાના દરોડા પાડવાને બદલે આવા હાઈપ્રોફાઇલ કેસોમાં કડક અને દાખલારૂપ સજા થાય તેવું નિશાન બનાવવા માટે નાગરિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Ahmedabad News : મજૂરોના જીવ સાથે ચેડાં કરનાર સામે તંત્રનો સકંજો, બે કામદારોના મોત કેસમાં કોન્ટ્રાક્ટરને ફટકારાઈ નોટિસ