રાજકોટની સરાઝા હોટલમાં યોજાયેલી દારૂની મહેફિલના ચકચારી પ્રકરણમાં પોલીસ દ્વારા ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના અંગે પોલીસે નોંધેલી સત્તાવાર FIRમાં દારૂની બોટલો પરમિટવાળી હોવાની વિગતો સામે આવી છે. જેસલમેર ક્રાફ્ટ ઈન્ડિયા ગ્રીન નામની બે સીલ પેક દારૂની બોટલ મળી આવી છે. આ બંને બોટલ ઉપર સ્પષ્ટપણે સેલ ફોર ઓન્લી ગુજરાત લખેલું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શું આ પરમિટ ધારક વ્યક્તિ પોતે સરાઝા હોટલ સાથે સીધો કે આડકતરો સંબંધ ધરાવે છે? ગુજરાતમાં પરમિટનો દારૂ માત્ર જે તે વ્યક્તિગત વપરાશ માટે માન્ય હોય છે. મહેફિલ માટે લાવવામાં આવેલા આ દારૂની ખરીદી માટે નાણાં કોણે ચૂકવ્યા હતા તે અંગે સવાલો ઊભા થયા છે. શું આ દારૂ માટે હોટલ સંચાલકોએ પૈસા આપ્યા હતા કે પછી મહેફિલના આયોજકે ચૂકવ્યા તે મોટો ભેદ છે.
હોટલ સંચાલકોની જવાબદારી નક્કી થવી જોઈએ
રાજકોટના દારૂકાંડ સંદર્ભે કાયદાકીય બાબતો રજૂ કરતાં વકીલ સુરેશ ફળદુએ જણાવ્યું હતું કે ઘટનાસ્થળે પોલીસ દ્વારા કરવામાં આવેલી રેડ અને શરૂઆતની કામગીરી પ્રશંસનીય છે. પરંતુ આ કેસમાં દારૂ ક્યાંથી આવ્યો અને કયા માધ્યમથી હોટલ સુધી પહોંચ્યો તેની તપાસ થવી ખૂબ જરૂરી છે. જો હોટલ પાસે કે ગ્રાહક પાસે કોઈ માન્ય પરમીટ ન હોય તો હોટલમાં દારૂ કેવી રીતે આવ્યો તે સૌથી મોટો પ્રશ્ન છે. આવા સંજોગોમાં હોટલના લાયસન્સ અને સમગ્ર વ્યવસ્થાપનની સંપૂર્ણ ચકાસણી થવી અનિવાર્ય બની જાય છે. તેમણે પોલીસ તપાસની દિશા પર સવાલ ઉઠાવતા ઉમેર્યું હતું કે પોલીસ ઘણીવાર પોતાની રીતે કાયદાનું અર્થઘટન કરતી જોવા મળે છે. દારૂબંધીના નિયમો હેઠળ માત્ર દારૂ પીનારા જ નહીં, પરંતુ જે સ્થળે આ પ્રવૃત્તિ થઈ તે હોટલ સંચાલકો અને માલિકો સામે કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તે બાબત ભારે શંકા ઉપજાવે છે. કાયદાની દ્રષ્ટિએ હોટલ સંચાલકોની જવાબદારી નક્કી થવી જોઈએ અને લાયસન્સની શરતોના પાલન અંગે તપાસ હાથ ધરવી જરૂરી છે.
