રાજકોટ શહેરમાં ગુનેગારો બેફામ બન્યા હોય તેમ સહેજ પણ કાયદાનો ડર ન રહ્યો હોય તેવા કિસ્સાઓ સતત વધી રહ્યા છે. ગત મોડી રાત્રિના સમયે નાનામવા રોડ જેવા ધમધમતા એરિયામાં આવેલા મોકાજી સર્કલ પાસે સરેઆમ શૂટઆઉટની ઘટના ઘટી છે. પ્રાથમિક વિગતો મુજબ, મૃતક કૃષ્ણરાજસિંહ જાડેજા રાત્રિના સમયે પોતાના ઘર નજીક વોકિંગ કરવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન તેમના ઘરની પાસે આવેલા એક ખાલી પ્લોટમાં રણજીત વાળા અને તેના સાથીદારો બેઠા હતા. કૃષ્ણરાજસિંહ અને પ્લોટમાં બેઠેલા શખ્સો વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી અને શાબ્દિક ટસલ થઈ હતી.

ઘરે આવીને કર્યું ટાર્ગેટેડ ફાયરિંગ

આ સામાન્ય બોલાચાલી એટલી હદે વણસી ગઈ કે રણજીત વાળા અને તેનો પુત્ર સહિત 4 થી 5 લોકો લોડેડ રિવોલ્વર સાથે કૃષ્ણરાજસિંહના ઘરે ધસી આવ્યા હતા. હુમલાખોરોએ આસપાસના વિસ્તારમાં ખોફનો માહોલ ઊભો કરવા માટે પહેલા મૃતકના ઘરની બહાર હવામાં ૩ રાઉન્ડ ધડાધડ ફાયરિંગ કર્યા હતા. ગોળીઓનો અવાજ સાંભળીને જેવા જ કૃષ્ણરાજસિંહ જાડેજા પોતાના ઘરની બહાર નીકળ્યા, કે તુરંત જ આરોપીઓએ તેમના પર સીધું જ ક્લોઝ રેન્જથી ફાયરિંગ કરી દીધું હતું. ગંભીર રીતે ગોળી વાગવાના કારણે કૃષ્ણરાજસિંહ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા અને તેમનું મોત નીપજ્યું હતું.

બચાવવા વચ્ચે પડેલા સ્વજન પર પણ હુમલો

આ લોહિયાળ મામલા દરમિયાન કૃષ્ણરાજસિંહને બચાવવા માટે રાજેન્દ્રસિંહ જાડેજા વચ્ચે પડ્યા હતા. પરંતુ હિંસક બનેલા હુમલાખોરોએ તેમની સાથે પણ ભારે ઝપાઝપી કરી હતી અને રિવોલ્વરનો પાછળનો ભાગ (બટ) રાજેન્દ્રસિંહના માથામાં સજોરે મારી દીધો હતો, જેના કારણે તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા. ઘટનાને અંજામ આપી તમામ હુમલાખોરો રાત્રિના અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યા હતા. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે. ઘટનાની ગંભીરતાને જોતા જ રાજકોટ ડીસીપી (DCP), એસીપી (ACP) સહિત ક્રાઇમ બ્રાન્ચ અને તાલુકા પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી, સીસીટીવી ફૂટેજના આધારે રણજીત વાળા અને તેની ગેંગને દબોચી લેવા માટે અલગ-અલગ ટીમો બનાવી નાકાબંધી હાથ ધરી છે.

આ પણ વાંચો: Monsoon 2026 : મેઘરાજા થોડો વિરામ લેશે, આજથી ગુજરાતમાં વરસાદનું જોર ઘટશે, પણ 5 સિસ્ટમ સક્રિય હોવાથી અહીં રહેશે ભારે વરસાદ