રાજકોટ શહેરમાં સાયબર ગુનેગારોએ હવે ઉચ્ચ સરકારી અધિકારીઓને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે.રાજકોટ પીજીવીસીએલની લક્ષ્મીનગર મેઈન બ્રાન્ચમાં જનરલ મેનેજર (ફાઈનાન્સ)તરીકે ફરજ બજાવતા કિંતુકુમાર શશીકાંતભાઈ મલકાણને સાયબર ગઠિયાઓએ પોતાની જાળમાં ફસાવી રૂ.4560904ની છેતરપિંડી આચરી છે. આ બનાવ અંગે રાજકોટ શહેર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
45.60 લાખ રૂપિયા RTGS કરવા આદેશ આપ્યો
બનાવની વિગત મુજબ 4 મે 2026ના રોજ બપોરે 1 વાગ્યાની આસપાસ ફરિયાદી કિંતુકુમાર મલકાણ પોતાની ઓફિસમાં હાજર હતા.તે સમયે તેમના વોટ્સએપ પર એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો.જેમાં PGVCLના એમ.ડી.કેતન જોષીનો પ્રોફાઇલ ફોટો રાખવામાં આવ્યો હતો.ઠગે પોતાની ઓળખ એમ.ડી.તરીકે આપી મેસેજ કર્યો હતો કે,આ મારો અંગત નંબર છે કોઈની સાથે શેર કરતા નહીં.ત્યારબાદ આરોપીએ પોતે મીટિંગમાં હોવાનું કહી ફોન ઉપાડયો નહોતો અને મેસેજ દ્વારા મનીષા મંડલ નામના બેંક એકાઉન્ટની વિગતો મોકલી તાત્કાલિક 45.60 લાખ રૂપિયા RTGS કરવા આદેશ આપ્યો હતો.
બીજા 30.60 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવા કહ્યું
પોતાના ઉચ્ચ અધિકારીનો આદેશ સમજીને મલકાણે પીજીવીસીએલના એસ.બી.આઈ.ખાતાનો ચેક લખી કર્મચારી મારફતે ઈન્ડસઈન્ડ બેંકના આપેલા ખાતામાં નાણાં ટ્રાન્સફર કરાવી દીધા હતા.જોકે ગઠિયાની લાલચ આટલેથી અટકી નહોતી.બપોરે ફરીથી તે જ નંબર પરથી બીજા 30.60 લાખ રૂપિયા નીતિન નામના ખાતામાં ટ્રાન્સફર કરવાનો મેસેજ આવ્યો હતો.સતત બીજા પેમેન્ટની માંગણી થતા ફરિયાદીને શંકા ગઈ હતી અને તેમણે રૂબરૂ જઈને એમ.ડી.કેતન જોષી સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે આવો કોઈ મેસેજ તેમણે મોકલ્યો જ નથી.જેથી પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સમજાતા તાત્કાલિક સાયબર હેલ્પલાઈન પર જાણ કરવામાં આવી હતી. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
ગઈકાલે બપોરે આ ઘટના ઘટી હતી
આ મામલે રાજકોટના DCP ક્રાઈમ જગદીશ બાંગરવાએ કહ્યું હતું કે, ગઈકાલે બપોરે આ ઘટના ઘટી હતી. PGVCLના અધિકારી કિન્તુ માલકણને તેમની કંપનીના જનરલ મેનેજર કેતન જોશીના નામે મેસેજ આવ્યો હતો. તેમણે મેસેજમાં જણાવેલા એકાઉન્ટ નંબર પર 45 લાખ ટ્રાન્સફર કર્યા હતાં.ભોગ બનનારને લાગ્યું કે આ તેના સાહેબ છે જેથી પૈસા ટ્રાન્સફર કર્યા હતાં. બીજી વખત પૈસા માંગતાં તેમને શંકા ગઈ હતી અને તેઓ સાયબર ફ્રોડનો શિકાર થયા હોવાનું સામે આવ્યું હતું. અમને ફરિયાદ મળતા અમે કાર્યવાહી કરી છે. 2.5 લાખ રૂ.ઉપડ્યા હતાં અને બાકીની રકમ અમે ફ્રીઝ કરાવી છે. એક પણ વખત ખરાઈ કર્યા વગર નાણાકીય વ્યવહાર ન કરવો જોઈએ.
આ પણ વાંચોઃ Banaskantha News: જગદીશ વિશ્વકર્માના ગેનીબેન સામેના નિવેદનનો વિરોધ, વાવ થરાદમાં કોંગ્રેસ અને પોલીસ આમને સામને