ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પાલનપુર ખાતેની એક સભામાં સાંસદ ગેનીબેનની સાડીના પાલવમાંથી ભાજપે આ વખતે સીટો આંચકી લીધી એવું નિવેદન કરતાં જ ઠાકોર સમાજમાં રોષ ફેલાયો છે.તાજેતરમાં થરાદમાં સમૂહ લગ્નમાં ઋષિ ભારતી બાપુએ જગદીશ વિશ્વકર્માનો વિરોધ કરવા અપીલ કરી હતી. ત્યારે હવે વાવ થરાદમાં કોંગ્રેસે ગેનીબેન ઠાકોરના સમર્થનમાં રેલી કાઢી હતી. જગદીશ વિશ્વકર્માના પૂતળાનું દહન કરતાં પોલીસ સાથે સામાન્ય ઘર્ષણ થયું હતું.
ગેનીબેન ઠાકોરના સમર્થનમાં રેલી કાઢી
વાવ થરાદમાં કોંગ્રેસે સાંસદ ગેનીબેન ઠાકોરના સમર્થનમાં રેલી કાઢી હતી. ગૌમાતા સર્કલથી કલેક્ટર કચેરી સુધી કોંગ્રેસે રેલી કાઢી હતી. આ રેલીમાં કોંગ્રેસના કાર્યકરોએ ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના પૂતળાનું દહન કરતાં પોલીસ સાથે સામાન્ય માથાકૂટ થઈ હતી. પોલીસે કોંગ્રેસના કાર્યકરો પાસેથી પૂતળુ છીનવી લીધું હતું. આ દરમિયાન પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો આમને સામને આવી ગયા હતાં. પૂતળા દહન દરમ્યાન પોલીસ એક્શનમાં કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી.
