ગુજરાતમાં આજે અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. દાહોદ અને મહિસાગરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત અરવલ્લી જિલ્લામાં પણ વરસાદ વરસ્યો હતો. દાહોદમાં ફૂંકાયેલા વાવાઝોડાને કારણે ક્યાંક વૃક્ષો ધરાશાયી થયા હતાં તો ક્યાંક પ્રસંગના મંડપ ઉડ્યા હતાં. હવામાન વિભાગે વાતાવરણમાં પલટો આવવાની આગાહી કરી હતી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 5થી 8 મે દરમિયાન રાજ્યમાં વરસાદની આગાહી કરી છે.
આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં 8મી મે સુધી વરસાદની આગાહી કરી છે. પંચમહાલ, દાહોદ, મહિસાગરમાં વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહેશે.11 મે પછી રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધશે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં તાપમાનમાં વધારો થશે. તાપમાનનો પારો 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે. રાજકોટ અને મોરબી, સુરેન્દ્રનગર અને કચ્છમાં પણ તાપમાન ઊંચકાશે. 23 મે આસપાસ પ્રી-મોન્સુન પ્રવૃત્તિ શરૂ થવાની શક્યતા છે. 15 મે બાદ અરબી સમુદ્રમાં વાવાઝોડાની સંભાવના છે. બંગાળની ખાડીમાં વાવઝોડુ સક્રિય થવાની પણ સંભાવનાઓ છે.
