વેલંજા રહેતા અને કાપડના કારખાનામાં સુપરવાઈઝર 41 વર્ષીય યુવક સાથે મુંબઈની યુવતી અને તેના પરિવારે લગ્નનું નાટક રચી લાખો રૂપિયાની ઠગાઈ કરી છે.લગ્ન મંડપમાં જ આબરૂની દુહાઈ દઈ ર લાખ પડાવ્યા બાદ લૂંટરી દુલ્હન માત્ર 10 દિવસમાં સોના-ચાંદીના દાગીના લઈ મુંબઈ પલાયન થઈ ગઈ છે.હવે આ ટોળકી યુવક પાસે દર મહિને 50 હજાર રૂપિયાની માંગણી કરી બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રહી છે.

41 વર્ષનો વ્યક્તિ લૂંટેરી દુલ્હનનો ભોગ બન્યો

મૂળ ભાવનગર કણબીવાડના વતની અને હાલ ઉમરા વેલંજા ખાતે રહેતા ઉમેશ દેવેન્દ્રભાઈ ધોળકીયાએ પોતાના લગ્ન માટે 'Saadi.com' પર રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.ઓગસ્ટ-2025માં તેમનો સંપર્ક મુંબઈના કલ્યાણમાં રહેતી અર્ચના કપૂરચંદ માહાનંદ સાથે થયો હતો.અર્ચનાએ શરૂઆતથી જ લગ્ન બાદ અલગ રહેવાની અને બહાર નોકરી કરવાની શરતો મૂકી હતી.ઉમેશે એ સ્વીકારી લેતાં ગત 3 ફેબ્રુઆરીએ સિંગણપોર ખાતે લગ્ન નિર્ધારિત હતા.લગ્નવિધિ સમયે જ અર્ચના તેનાં માતા-પિતા અને બહેને લગ્ન ખર્ચ પેટે 3 લાખની માંગણી કરી હતી.જો રૂપિયા ન મળે તો લગ્ન તોડી નાખવાની ધમકી આપતા,સમાજમાં આબરૂ જશે તેવા ડરથી ઉમેશભાઈએ 2 લાખ રૂપિયા ચૂકવ્યા હતા.લગ્ન બાદ અર્ચનાએ શરૂઆતથી શરીર સંબંધ બાંધવામાં આનાકાની કરી હતી.

લગ્ન કરી ત્રણ લાખની માંગ કરી બે લાખ પડાવ્યા

આબુ અને અરલેજ પ્રવાસ દરમિયાન પણ તેણે બીમારીના બહાના કાઢ્યા હતા.આબુ પવાસ દરમિયાન તેણે ઉમેશના મોબાઈલમાંથી મહત્ત્વના ચેટ્સ અને પુરાવાઓ પણ ડિલીટ કરી દીધા હતા. લગ્નના 10 દિવસ બાદ 14 ફેબ્રુઆરીએ તે પિયર મુંબઈ જતી રહી હતી.ઉમેશ પત્નીને લેવા મુંબઈ ગયો ત્યારે અર્ચનાએ કહી દીધું હતું કે, હું આવવાની નથી.જો છૂટાછેડા લેવા હશે તો દર મહિને પરિવારને 50 હજાર આપવા પડશે અને દબાણ કરશો તો તેની બહેન વૈભવી પર બળાત્કારની ફરિયાદ કરશે તેવી ધમકી આપી હતી.ત્યારબાદ તપાસ કરતાં જાણવા મળ્યું કે અર્ચના પિયર જતી વખતે 2 લાખ રોકડા ઉપરાંત સોનાનું મંગળસૂત્ર,હાર,નાકનો દાણો અને ચાંદીની પાયલ મળી રૂ.3.93 લાખની મતા સાથે લઇ ગઈ છે.ઉત્રાણ પોલીસે અર્ચના,તેની બહેન વૈભવી,માતા આશાબેન અને પિતા કપૂરચંદ વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ Gujarat Weather News: ગરમી અને ઉકળાટ વચ્ચે અરવલ્લીમાં વહેલી સવારે વરસાદ ખાબક્યો