રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી અંડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગો અને પ્રોજેક્ટ સાઇટો પરથી કીમતી સામાન ચોરી થવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી હતી. બિલ્ડિંગના સેન્ટિંગ કામમાં વપરાતી કીમતી એલ્યુમિનિયમ પ્લેટો અચાનક ગાયબ થઈ જતી હોવાથી બિલ્ડરો ભારે ચિંતામાં મુકાયા હતા. આ મામલાને ગંભીરતાથી લઈને રાજકોટ પોલીસ કમિશનરની સૂચના હેઠળ ક્રાઇમ બ્રાન્ચ અને લોકલ પોલીસે સીસીટીવી ફૂટેજ તેમજ હ્યુમન સોર્સિસના આધારે વોચ ગોઠવી હતી.
રેકી કરીને રાત્રિના સમયે આપતા અંજામ
પોલીસના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ, પકડાયેલા 6 આરોપીઓની મોડસ ઓપરેન્ડી અત્યંત વ્યવસ્થિત હતી. આ ગેંગના સભ્યો દિવસ દરમિયાન શહેરમાં જે જગ્યાએ મોટા પ્રોજેક્ટ ચાલતા હોય ત્યાં મજૂર અથવા અન્ય બહાને રેકી કરતા હતા. ત્યારબાદ રાત્રિના અંધકારમાં સિક્યોરિટી ગાર્ડની નજર ચૂકવી અથવા સાઇટના પાછળના ભાગેથી અંદર ઘૂસીને લાખો રૂપિયાની કિંમતી એલ્યુમિનિયમ પ્લેટો એકઠી કરતા હતા. આ પ્લેટો વજનમાં ભારે હોવાથી તેઓ પોતાની સાથે લાવેલા પિકઅપ ડાલા કે અન્ય લોડિંગ વાહનમાં માલ ભરીને ગણતરીની મિનિટોમાં રફુચક્કર થઈ જતા હતા.
