રાજકોટમાં ચર્ચિત જમીન કૌભાંડી અલ્પેશ દોંગા વિરુદ્ધ રાજકોટ ગ્રામ્ય પોલીસ અને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા તપાસનો ઘેરાવો વધુ મજબૂત કરવામાં આવ્યો છે. પોલીસે 150 ફૂટ રિંગ રોડ પર આવેલી અલ્પેશ દોંગાની ઓફિસમાં સઘન ચેકિંગ હાથ ધરીને વધુ 100 જેટલા ખેડૂતોની જમીન સંબંધિત મહત્વપૂર્ણ દસ્તાવેજો કબ્જે કર્યા છે. ઉલ્લેખનીય છે કે આ પૂર્વે પણ ગ્રામ્ય પોલીસે અલ્પેશ દોંગા પાસે અંદાજે 150 જેટલા ખેડૂતોના જમીનના કાગળો જપ્ત કર્યા હતા.
સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા કાગળોની ચકાસણી
અત્યાર સુધીમાં કુલ 250થી વધુ ખેડૂતોની જમીનના દસ્તાવેજો કબ્જે કરવામાં આવ્યા છે. આ તમામ જપ્ત કરાયેલા દસ્તાવેજો સંદર્ભે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. અલ્પેશ દોંગા અને તેની ગેંગ દ્વારા બોગસ કાગળો, ધાક-ધમકી કે નાણાકીય ગેરરીતિઓ આચરીને ખેડૂતોની જમીનો હડપ કરવાનો ખેલ ખેલાયો હોવાની ગંભીર આશંકાઓ સેવાઈ રહી છે. SITની તપાસ આગળ વધતાં આ સમગ્ર કૌભાંડનો વ્યાપ ખૂબ મોટો હોવાનો ખુલાસો થઈ શકે છે.
