રંગીલા રાજકોટ શહેરમાં જાહેરમાં માથાકૂટ અને વાહનચાલકો વચ્ચે અસહિષ્ણુતાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. શહેરના અત્યંત ધમધમતા રૈયા ચોકડી વિસ્તારમાં ગાડી અથડાવા જેવી નજીવી બાબતે બે મહિલાઓ વચ્ચે જાહેરમાં જ ઉગ્ર બોલાચાલી અને માથાકૂટ થઈ હતી. રસ્તા પર વાહન વ્યવહાર ચાલુ હતો તે દરમિયાન બનેલી આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર શહેરમાં આ મુદ્દો ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
કારમાં સવાર મહિલાઓને યુવતીએ બેફામ ગાળો આપી
મળતી વિગતો અનુસાર, રૈયા ચોકડી પાસે બે વાહનો વચ્ચે સામાન્ય ટક્કર થયા બાદ એક યુવતીએ પોતાનો મિજાજ ગુમાવ્યો હતો. કારમાં સવાર અન્ય મહિલાઓ સાથે વાદવિવાદમાં ઊતરેલી આ યુવતીએ કોઈપણ જાતના સંકોચ વગર જાહેર રસ્તા પર જ બેફામ ગાળો ભાંડવાનું શરૂ કરી દીધું હતું. આસપાસથી પસાર થતાં રાહદારીઓ અને અન્ય વાહનચાલકોએ આ સમગ્ર ઘટના પોતાના મોબાઈલ કેમેરામાં ઉતારી લીધી હતી, જેમાં યુવતી ઉગ્ર થઈને મહિલાઓ સાથે અસભ્ય વર્તન કરતી સ્પષ્ટપણે જોઈ શકાય છે.
