રાજકોટ શહેરમાં ભૂમાફિયાઓનો ત્રાસ દિનપ્રતિદિન વધી રહ્યો છે, ત્યારે કુખ્યાત ભૂમાફિયા અલ્પેશ દોંગા સામે વધુ એક ગંભીર ગુનો નોંધાયો છે. સૌરાષ્ટ્રના અનેક ખેડૂતોની ધિરાણ અને ઊંચા વ્યાજના બહાને કિંમતી જમીનો હડપ કરી લેવાના કૌભાંડમાં રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ એક નવો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને મુખ્ય આરોપીના બે સાગરીતોની ધરપકડ કરી લીધી છે અને આગળની કાયદેસરની તજવીજ શરૂ કરી છે.
અલ્પેશ દોંગાની મંડળી પાસેથી 9 લાખ રૂપિયા વ્યાજે લીધા
મૂળ ફરિયાદી ખેડૂતે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમણે અલ્પેશ દોંગાની મંડળી પાસેથી જરૂરિયાત સંતોષવા માટે 9 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. આ વ્યાજે લીધેલા રૂપિયાની સિક્યુરીટી પેટે આરોપીઓએ ફરિયાદીની અંદાજે 2 થી 2.5 કરોડ રૂપિયા જેટલી મબલખ બજારકિંમત ધરાવતી કિંમતી જમીનનો ગેરકાયદેસર રીતે દસ્તાવેજ કરાવી લીધો હતો.
ખેડૂતે વ્યાજ સાથે કુલ 13 લાખ રૂપિયા ચૂકવી દીધા
જો કે ફરિયાદ મુજબ ખેડૂતે વ્યાજ સાથે કુલ 13 લાખ રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં, અલ્પેશ દોંગા દ્વારા જમીન પરત ખેડૂતના નામે કરવામાં આવી ન હતી. એટલું જ નહીં, જમીન ખેડૂતના નામે પરત આપવા માટે આરોપી અલ્પેશ દોંગાએ ખુલ્લેઆમ 1 કરોડ રૂપિયાની જંગી ખંડણીની માગણી કરી હતી, જેના કારણે ભોગ બનનાર ખેડૂત ચિંતિત બન્યા હતા.
અલ્પેશ દોંગાના 2 સાગરીતો ઝડપાયા
આ ગંભીર પ્રકરણ સામે આવતા જ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે તાત્કાલિક તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને આ ગુનામાં સંડોવાયેલા અલ્પેશ દોંગાના બે મુખ્ય સાગરીતો જિતેન્દ્ર નસીત અને હરેશ અજાણીની ધરપકડ કરી લીધી છે.
પોલીસની સઘન તપાસ શરુ
મુખ્ય આરોપી અલ્પેશ દોંગા હાલ અન્ય ગુનાના મામલે જ્યુડિશયલ કસ્ટડીમાં છે, ત્યારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેનો કબ્જો મેળવવાની સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ તપાસ દરમિયાન ખેડૂતની જમીનના મૂળ દસ્તાવેજો કબ્જે કરીને કોર્ટના માધ્યમથી જમીન ફરીથી મૂળ ખેડૂતના નામે ટ્રાન્સફર થાય તે માટેની કાયદાકીય પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો : Bengaluru : અભિનેત્રી રાન્યા રાવ સહિત 4 પર 270.8 કરોડનો દંડ, 127 કિલોથી વધુ સોનાની કથિત તસ્કરીનો ખુલાસો