ગુજરાત રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા “ડેરી એનાલોગ' (વનસ્પતિજન્ય ફેટમાંથી બનેલું નકલી પનીર) અંગે બહાર પાડવામાં આવેલા કડક પરિપત્ર બાદ રાજકોટ મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવ્યો હતો. છેલ્લા બે દિવસ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં હોટલો, રેસ્ટોરન્ટ્સ અને ફૂડ આઉટલેટ્સ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગે કુલ 44 જેટલી પેઢીઓની મુલાકાત લઈ નિયમોના ઉલ્લંઘન બદલ નોટિસ ફટકારી છે.
સ્પષ્ટપણે Analogue Paneer લખવું પડશે
રાજ્ય સરકારના નવા આદેશ મુજબ, જો કોઈ હોટલ કે રેસ્ટોરન્ટ અસલી પનીરને બદલે વનસ્પતિ ફેટમાંથી બનેલા એનાલોગ પનીરનો ઉપયોગ કરતી હશે, તો તેણે મેનૂ કાર્ડમાં સ્પષ્ટપણે Analogue Paneer લખવું પડશે. દાખલા તરીકે, પનીર ટીક્કા મસાલાના બદલે એનાલોગ ટીક્કા મસાલા એવું નામ દર્શાવવું અનિવાર્ય છે. રાજકોટમાં કરાયેલી તપાસ દરમિયાન અનેક સ્થળોએ ગ્રાહકોને અંધારામાં રાખીને આવું નકલી પનીર પીરસવામાં આવતું હોવાનું જણાતા તંત્રએ કડક વલણ અપનાવ્યું છે.
