સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદોના વમળમાં ફસાઈ છે. યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં લેવાયેલી જુનિયર ક્લાર્કની કાયમી ભરતી પ્રક્રિયામાં ગંભીર ગેરરીતિ અને લાગવગના આક્ષેપો થતા શૈક્ષણિક આલમમાં ખળભળાટ મચી ગયો છે. ઉમેદવારોનો આરોપ છે કે લાયક હોવા છતાં તેમને જાણીજોઈને પ્રક્રિયામાંથી બહાર રાખવામાં આવ્યા છે.
30 ઉમેદવારોને અન્યાય થયાનો આક્ષેપ
ગત 16 માર્ચે યુનિવર્સિટી દ્વારા જુનિયર ક્લાર્કની ખાલી પડેલી 59 જગ્યાઓ ભરવા માટે કાયમી ભરતીની પરીક્ષા યોજવામાં આવી હતી. આ પરીક્ષામાં કુલ 767 ઉમેદવારોએ ભાગ લીધો હતો. જોકે, પરિણામ અને પસંદગી પ્રક્રિયા બાદ આશરે 30 જેટલા ઉમેદવારોએ આક્ષેપ કર્યો છે કે તેમને ખોટી રીતે 'રીજેક્ટ' કરવામાં આવ્યા છે. ઉમેદવારોનું કહેવું છે કે મેરિટમાં આવતા હોવા છતાં લાગવગ ધરાવતા લોકોને ગોઠવવા માટે તેમને જાણીજોઈને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે.
