ભાવનગરમાં અશાંતધારા હેઠળ મિલકત તબદીલીના બહાને ચાલતા ભ્રષ્ટાચારના મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. આખરે 15 દિવસની લાંબી તપાસ બાદ, મદદનીશ કલેક્ટર પ્રતિભા દહિયાએ પોતે જ આગળ આવીને પોતાના ડ્રાઈવર મોમીન પઠાણ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ મામલાએ સમગ્ર વહીવટી તંત્રમાં ભારે ફફડાટ ફેલાવી દીધો છે.
14 લાખની લાંચ માંગતો વીડિયો આવ્યો હતો સામે
ઘટનાની વિગત એવી છે કે, ભાવનગરના અશાંતધારો અમલી હોય તેવા વિસ્તારોમાં મિલકત તબદીલીની મંજૂરી મેળવવા માટે ડ્રાઈવર મોમીન પઠાણે લાખો રૂપિયાની માંગણી કરી હતી. થોડા દિવસો પહેલા એક સનસનાટીભર્યો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં આ ડ્રાઈવર મિલકતની મંજૂરી અપાવવાના બદલામાં 14 લાખ રૂપિયાની લાંચ માંગતો સ્પષ્ટ જોઈ શકાતો હતો. આ વીડિયો સામે આવ્યા બાદ વહીવટી તંત્ર શંકાના દાયરામાં આવ્યું હતું.
