ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ માટે જાણીતી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સાણંદ-વિરમગામ હાઈવે પર આવેલા છારોડી ગામની માનસી ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા પાડીને મોટા પાયે ચાલતા દારૂના કટિંગનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે કુલ ₹1.15 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
સ્થળ પરથી 11,332 વિદેશી દારૂની બોટલો મળી
પોલીસને બાતમી મળી હતી કે સાણંદના છારોડી વિસ્તારમાં આવેલી ઇન્ડસ્ટ્રીયલ જગ્યાનો ઉપયોગ વિદેશી દારૂના સંગ્રહ અને વિતરણ માટે થઈ રહ્યો છે. દરોડા દરમિયાન સ્થળ પરથી 11,332 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જેની બજાર કિંમત અંદાજે ₹81.92 લાખ જેટલી થાય છે. આ દારૂનો જથ્થો રાજસ્થાન અને પંજાબ જેવા રાજ્યોમાંથી ગુજરાતમાં ઘુસાડવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
