એક સમયે રંગીલું રાજકોટ તરીકે ઓળખાતું શહેર હવે જાણે હત્યા નગરી બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ સતત ઊંચે જઈ રહ્યો છે અને છેલ્લા માત્ર 10 દિવસના ગાળામાં જ 7 જેટલી હત્યાઓના બનાવથી સમગ્ર શહેર સ્તબ્ધ થઈ ગયું છે. શહેરમાં હત્યાની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં ગાળો બોલવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ એક યુવકનો જીવ લઈ લીધો છે. રાજકોટના ઘંટેશ્વર 25 વારીયા વિસ્તાર નજીક મનહરપુરના રહેવાસી વિજય સોલંકી નામનો યુવક હાજર હતો.
છરીના ઘા ઝીંકી કરવામાં આવી યુવકની હત્યા
આ દરમિયાન ધર્મેશ નામના વ્યક્તિ સાથે તેને ગાળો બોલવા મુદ્દે સામાન્ય બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી એટલી ઉગ્ર બની હતી કે ધર્મેશે આવેશમાં આવીને વિજય સોલંકી પર છરીના આડેધડ ઘા ઝીંકી દીધા હતા. જેના કારણે વિજયનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતક વિજય સોલંકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.













