રાજકોટમાં 20 ઓક્ટોબર 2025થી શરૂ થયેલ હત્યાનો સિલસિલો 22 ઓક્ટોબર 2025 સુધી ચાલ્યો હોવાનું સામે આવ્યું છે.ત્રણ દિવસમાં પાંચ જેટલા વ્યક્તિઓની હત્યા થતા રાજકોટ રક્ત રંજીત બની ચૂક્યું હોવાનું સામે આવ્યું છે.ત્યારે ગત 22 ઓક્ટોબર 2025 ના રોજ રાજકોટ જિલ્લાના સણોસરા ગામ ખાતે જયંતીભાઈ ઠુંમરની વાડીમાં 50 વર્ષીય સુમા મેડા નામના પિતાની હત્યા તેમની જ પુત્રી અને સગીર વયના પુત્ર દ્વારા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે.
સગીર વયના ભાઈને જુવેનાઇલ કોર્ટમાં રજૂ કરાયો
સમગ્ર મામલે મૃતકના કૌટુંબિક કાકા બકુલ મેડા દ્વારા મૃતકની દીકરી કાજલ મેડા તેમજ સગીર વયના દીકરા વિરુદ્ધ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ 105, 54 તેમજ જીપીએક્ટની કલમ 135 અંતર્ગત નોંધાતા પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી કાજલ મેડાની ધરપકડ કરી ગુનાના કામે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. જ્યારે કે તેના સગીર વયના ભાઈને ગુનાના કામે જુવેનાઇલ કોર્ટમાં રજૂ કરવામાં આવતા બાળક સંરક્ષણ ગૃહ ખાતે મોકલી આપવામાં આવ્યો છે.
પિતાને માનસિક બીમારી હોવાથી પરિવાર કંટાળ્યો હતો
પોલીસને આપેલી ફરિયાદમાં બકુલ મેડા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સુમા મેડાને છેલ્લા ઘણા વર્ષોથી માનસિક બીમારી વાળા કારણે તેની દવા પણ ચાલી રહી હતી.તેઓ અવારનવાર પોતાના પરિવારજનોને કહ્યા વગર ઘરથી બહાર નીકળી જતા હતા. તેમાં જ વારંવાર પરિવારના સભ્યો સાથે તેઓ ઝઘડા પણ કરતા રહેતા હતા.આ બાબતથી તેમના પરિવારજનો પણ કંટાળી ગયા હતા. દરમિયાન ભાઈ બહેન દ્વારા પોતાના પિતાને ઝાડથી બાંધી દેવામાં આવ્યા હતા.
લાકડી વડે માર મારવામાં આવતા તેમને ગંભીર ઈજા પહોંચી
ઝાડથી બાંધ્યા બાદ તેમને લાકડી વડે માર મારવામાં આવતા તેમને ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ તેમને 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેમને મરણ ગયેલ જાહેર કર્યા હતા. તેમજ પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં મલ્ટીપલ ઇન્જરીના કારણે સુમા મેડાનુ મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું હતું. ત્યારે હાલ તો દીકરીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટ દ્વારા તેને જેલ હવાલે કરવામાં આવી છે.
પોલીસે દીકરી અને સગીર દીકરાની ધરપકડ કરી
આ મુદ્દે એસીપી બી.વી. જાદવે જણાવ્યું હતું કે, સમગ્ર ઘટનામાં પિતા માનસિક બિમાર હોવાથી ભાગમભાગ કરતા હતાં જેથી તેમની હત્યા નિપજાવાઈ છે. દીકરી અને સગીર દીકરો જ હત્યારા નીકળ્યા છે. વૃક્ષ સાથે બાંધી માર મારતા માનસિક બિમારીથી પીડિતા સુમાભાઈ મેડાની હત્યા નીપજાવાઈ છે. પોલીસે મૃતકના કાકા બકુલભાઈની ફરિયાદના આધારે દીકરી અને સગીર દીકરાની ધરપકડ કરી છે.