રાજકોટ પોલીસની પ્રિવેન્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચ ને ગુનાખોરી ડામવા માટે એક બહુ મોટી સફળતા મળી છે. પીસીબીની ટીમે બાતમીના આધારે ઓપરેશન હાથ ધરીને રાજ્યમાં ગેરકાયદેસર હથિયારો સપ્લાય કરતા એક આંતરરાજ્ય 'વેપન કાર્ટેલ' નો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ કૌભાંડમાં સામેલ મુખ્ય સુત્રધાર અને મધ્યપ્રદેશના હથિયાર સપ્લાયર સહિત કુલ 5 રીઢા આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

16 ગેરકાયદેસર હથિયાર ને 30 નંગ જીવતા કાર્ટિસનો મોટો જથ્થો મળ્યો 

પોલીસના દરોડા દરમિયાન આરોપીઓ પાસેથી દેશી બનાવટના 16 ગેરકાયદેસર હથિયાર ને 30 નંગ જીવતા કાર્ટિસનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીઓમાં મુખ્ય સપ્લાયર સકીલ મન્સૂરી મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી છે, જેને પોલીસે વાંકાનેરથી દબોચી લીધો હતો. આ સિવાય અન્ય સ્થાનિક સાગરીતો જેમાં જયસુખ ઉર્ફે જસો વાઘેલા, દર્શન રોજાસરા, અનિલ વીરા ખેતરીયા અને પ્રદીપ કરપડાની પણ ધરપકડ કરવામાં આવી છે.

કુલ 2 લાખ રૂપિયા નો મુદ્દામાલ કબજે કર્યો 

પીસીબીએ હથિયારો, કારતૂસ અને અન્ય સામગ્રી મળીને કુલ 2 લાખ રૂપિયા નો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ હથિયારો મધ્યપ્રદેશથી લાવીને સૌરાષ્ટ્રના અલગ-અલગ વિસ્તારોમાં ગુનાહિત પ્રવૃત્તિઓ માટે સપ્લાય કરવાના હતા. આ હથિયારો કોને-કોને વેચવાના હતા અને ભૂતકાળમાં કોઈ મોટી ઘટનામાં તેનો ઉપયોગ થયો છે કે નહીં, તે દિશામાં પોલીસે તમામ આરોપીઓના રિમાન્ડ મેળવીને ઊંડાણપૂર્વક પૂછપરછ શરૂ કરી છે. 


આ પણ વાંચો  :     Sandesh Indepth : ચોમાસું ખોટકાયું, ગુજરાતમાં ગત વર્ષ કરતાં અડધો જ વરસાદ; 24.64% સાથે ખેડૂતો ચિંતિત, જળસંકટની ભીતિ!