રાજકોટ શહેરમાં કાલાવાડ રોડ પર આવેલી હોટેલ સરાઝામાં હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલ માણતા 33 મહિલાઓ સહિત 76 શખસોની અટકાયત કરવામાં આવી હતી.પોલીસે 38 આરોપીઓની દારૂ પીવાના ગુનામાં ધરપકડ કરી છે અને 33 મહિલાઓ સહિતના બાકીના લોકોના મેડિકલ ટેસ્ટ કરાવી રિપોર્ટ આવ્યા બાદ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.આ હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલ અંગે માલવિયાનગર પોલીસે તપાસ કરતા બહાર આવ્યું હતું કે,આ સમગ્ર પ્રકરણના સૂત્રધાર અને ડેકોરા ગ્રુપના માલિક ચિરાગ પટેલ પાર્ટી માટે રાજસ્થાનથી દારૂની 9 બોટલ લઈને આવ્યા હતા.જ્યારે અન્ય બે બોટલ તેનો પિતરાઈ ભાઈ ગૌરવ પટેલ સાથે લઈને પાર્ટીમાં આવ્યો હતો.આ કેસમાં પોલીસે હોટેલ સરાઝાના મેનેજરની પૂછપરછ કરી છે. આ ઉપરાંત હોટેલના માલિકની પણ પુછપરછ થઈ શકે છે.
આ કેસની તપાસમાં મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ
રાજકોટની હોટેલ સરાઝામાં યોજાયેલી દારૂની મહેફીલના કેસમાં વધુ એક ખુલાસો સામે આવ્યો છે. જેમાં પોલીસે હોટેલના મેનેજરની સઘન પુછપરછ કરી છે. હવે હોટેલના માલિકની પણ પુછપરછ થાય તેવી શક્યતાઓ છે. આ હોટેલમાં માત્ર ભોજન અને સામાજિક આયોજન માટેની જ પરવાનગી હોવા છતાં ત્યાં દારુ પીરસવામાં આવ્યો હોવાથી પોલીસે હોટેલના સીસીટીવી અને ડીવીઆર કબજે કર્યા છે. આ અંગે હોટેલ માલિકને પણ પોલીસે અગાઉ જાણ કરી હતી. પોલીસે હોટેલના સ્ટાફ અને મેનેજરની શંકાસ્પદ ભૂમિકાની તપાસ તેજ કરી છે. આગામી સમયમાં આ કેસની તપાસમાં મોટા ખુલાસા થાય તેવી શક્યતાઓ છે.
