રાજકોટમાં સ્વામિનારાયણ સંપ્રદાયના 2 સાધુઓ સામે રૂ. 1.25 કરોડની છેતરપિંડીની ફરિયાદનો મામલો ચર્ચામાં આવ્યો છે. આ મામલે ફરિયાદી નરશીભાઈ વાઢેર મીડિયા સામે આવ્યા હતા અને સમગ્ર ઘટનાની વિગતો રજૂ કરી હતી. તેમના જણાવ્યા મુજબ, વર્ષ 2020માં ડાકોર ખાતે મંદિર બનાવવા માટે જમીનમાં રોકાણ કરવાના નામે તેમની પાસેથી નાણાં લેવામાં આવ્યાં હતાં.

મિત્ર મારફતે રોકાણની વાત થઈ હતી

નરશીભાઈ વાઢેરે જણાવ્યું હતું કે ચિંતનભાઈ નામના તેમના મિત્રએ તેમને કહ્યું હતું કે વડતાલ તાબાના સ્વામીઓ ડાકોર ખાતે મંદિર બનાવવા માગે છે. જમીનમાં રોકાણ કરવાથી સારો ભાવ અને નાણાંનું સારું વળતર મળશે તેવી વાત કરવામાં આવી હતી. આ અંગે રાજકોટના ભુપેન્દ્ર રોડ પર આવેલા મંદિરમાં બેઠક પણ યોજાઈ હતી.

ડાકોરમાં જમીન જોઈ, ખેડૂત સાથે બેઠક કરી

ફરિયાદીના જણાવ્યા પ્રમાણે, તેઓ લાલજીભાઈ, ચિંતનભાઈ સહિતના લોકો સાથે ડાકોર ખાતે મંદિર માટેની જમીન જોવા ગયા હતા. જમીનના મામલે ખેડૂત સાથે પણ બેઠક કરવામાં આવી હતી. આ દરમિયાન જમીનના દસ્તાવેજો અને સમજૂતી કરાર સહિતના કાગળો તૈયાર કરવામાં આવ્યા હતા.

રૂ. 1.25 કરોડ રોકડા આપ્યાનો આક્ષેપ

નરશીભાઈના કહેવા પ્રમાણે, શરૂઆતમાં રૂ. 1 લાખ અને ત્યારબાદ રૂ. 1.24 કરોડ રોકડા આપવામાં આવ્યા હતા. આ વ્યવહારમાં ડી.પી. સ્વામી, ચિંતનભાઈ અને માધવ સ્વામી સહિતના લોકો હાજર હોવાનું તેમણે જણાવ્યું હતું. વિદેશથી મોટું દાન આવવાનું હોવાનું કહીને મંદિરના કામ માટે વધુ નાણાં આપવાની વાત પણ કરવામાં આવી હતી.

પૈસા પરત ન મળતાં ફરિયાદ, ધમકી મળતી હોવાનો દાવો

ફરિયાદીએ જણાવ્યું હતું કે તેઓ સાધુઓને ભગવાન સમાન માનતા હતા અને દંડવત કરતા હતા. કોરોના પછી પણ તેમના નાણાં પરત ન મળતાં તેમણે આ મામલે અરજીઓ આપી હતી. વધુમાં, આ સાધુઓ સામે 10થી વધુ કેસ અને રૂ. 150 કરોડના કૌભાંડનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો.

150 કરોડના કૌભાંડનો આક્ષેપ

નરશીભાઈએ એવો પણ દાવો કર્યો હતો કે આ લોકોનું એક જૂથ છે અને તેમને ધમકીઓ આપવામાં આવી રહી છે. ટ્રક કે ગાડી નીચે કચડી નાખવાની ધમકી પણ મળી હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. સમગ્ર મામલે ફરિયાદી દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અંગે પોલીસ તપાસ અને કાયદેસરની કાર્યવાહી મહત્વપૂર્ણ રહેશે. 


આ પણ વાંચો :     Explainer : ‘મર્દ કો દર્દ નહીં હોતા’ની માન્યતા પાછળ પુરુષોની વેદના, બદનામીના ડરથી 78 ટકા પીડિત પતિઓ મૌન