રાજકોટ રૂરલ પોલીસે મધ્યપ્રદેશની ચંડી બનિયાન ગેંગને પકડી પાડી છે. ગ્રામ્ય વિસ્તારના વડવાજડી ગામમાં ચોરીને અંજામ આપનાર આ ગેંગના એક સગીર સહિત 4 શખ્સોને પોલીસે પકડીને ઘરફોડ ચોરીની ટોળકીને સકંજામાં લીધી છે. પોલીસ તપાસમાં આ ટોળકી મધ્યપ્રદેશથી માત્ર ચોરી કરવા આવતી હોવાનું સામે આવ્યું છે.


એક મોબાઈલ ફોને ફોડ્યો ભાંડો

રાજકોટ રૂરલ પોલીસની હદમાં આવતા મેટોડા પોલીસ સ્ટેશન વિસ્તારના વડવાજડી ગામમાં દોઢ મહિના પહેલા ઘરફોડ ચોરીનો બનાવ બન્યો હતો. ચોર ટોળકીએ રોકડ રૂપિયા, સોનાના દાગીના, મોબાઈલ ફોન અને 2 મોટરસાયકલની ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. પોલીસ આ કેસની તપાસ કરી રહી હતી, આ દરમિયાન ચોરીમાં ગયેલો મોબાઈલ ફોન એક્ટિવ થયો હતો. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. આ મોબાઈલ ફોન મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લામાં હોવાનું સામે આવ્યું હતું. જેના આધારે પોલીસે ત્યાં તપાસ હાથ ધરી હતી. મધ્યપ્રદેશ પોલીસની મદદથી પોલીસે એક સગીર સહિત 4 શખ્સોને પકડી પાડ્યા હતા. પોલીસે આ શખ્સો પાસેથી ચોરી થયેલી રોકડ અને સોનાની ચેઈન,એક મોબાઈલ અને એક મોટરસાયકલ કબ્જે કર્યું છે. પોલીસે આ શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આરોપીઓના નામ

  • જીતેન સોમસિંહ ચૌહાણ
  • જોહરૂ ધનસિંહ બામણિયા
  • મહેન્દ્રસિંહ ભોવેનસિંહ મહેડા

શું છે મોડસ ઓપરેન્ડી ?

પોલીસના કહેવા પ્રમાણે પકડાયેલા શખ્સો પૈકી જોહરૂ મોરબીના ટંકારામાં રહેતો હતો અને ખેતરમાં ભાગીયા તરીકે કામ કરતો હતો. આ ટોળકીનો મુખ્ય સૂત્રધાર જોહરૂ છે. જે સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં રેકી કરતો હતો અને જો કોઈ સ્થળ અવાવરૂ અથવા તો જ્યાં ઓછી અવરજવર હોય તેવી જગ્યાને નિશાન બનાવતા હતા. આ ટોળકી બંધ મકાનને વધારે ટાર્ગેટ કરતી હતી અને ઘરમાં દરવાજાના નકૂચા તોડીને પ્રવેશ કરીને ત્યાંથી ચોરી કરીને ફરાર થઇ જતા હતા. પોલીસના કહેવા પ્રમાણે ઘરફોડ ચોરી પહેલા અથવા ઘરચોરી પછી તેઓ મોટરસાયકલ ચોરી કરતા અને તે લઈને જ તેઓ ફરાર થઈ જતા હતા. પોલીસના કહેવા પ્રમાણે આ શખ્સો ચોરી કરીને સીધા જ મધ્યપ્રદેશ ભાગી જતા હતા અને ત્યાં એક સોની વેપારીને ચોરી કરેલું સોનું વેચી દેતા હતા. પોલીસે આ સોની વેપારીની પણ શોધખોળ શરૂ કરી છે.

હાલ પોલીસે આ ટોળકીની પુછપરછ શરૂ કરી છે, જ્યારે અન્ય એક આરોપી દિનેશ મસાનીયા ફરાર છે. જેની પણ શોધખોળ શરૂ કરી છે. પોલીસના કહેવા પ્રમાણે પકડેલા આ શખ્સો વિરુદ્ધ મધ્યપ્રદેશમાં અનેક ગુનાઓ નોંધાયા છે, જેમાં જીતેન ચૌહાણ વિરુદ્ધ આઠ ગુના, જોહરૂ બામણીયા વિરુદ્ધ 5 ગુના, જ્યારે મહેન્દ્રસિંહ વિરુદ્ધ 4 ગુના નોંધાયા છે. તમામ ગુનાઓ લૂંટ અને ચોરીના છે. જેને લઈને પોલીસે મધ્યપ્રદેશ પોલીસની મદદ લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલ પોલીસે આ શખ્સોના રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરી છે, ત્યારે જોવાનું રહેશે આ ટોળકીએ ગુજરાતમાં કેટલી ચોરીને અંજામ આપ્યો છે?


  • Follow us on: