રાજકોટ શહેરમાં નશીલા પદાર્થોની ગેરકાયદે હેરાફેરી રોકવા માટે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે હાથ ધરેલી ખાસ ઝુંબેશ અંતર્ગત મોટી સફળતા મળી છે. SOGની ટીમે ચોક્કસ બાતમીના આધારે રાજકોટ રેલવે સ્ટેશન નજીક વોચ ગોઠવીને દરોડો પાડ્યો હતો, જેમાં ટ્રેન મારફતે ગાંજાનો જથ્થો ઘૂસાડવાનો પ્રયાસ કરી રહેલા એક તસ્કરને સ્થળ પરથી જ દબોચી લેવામાં આવ્યો હતો.
9.935 કિલો ગાંજા સાથે રૂ. 5.02 લાખનો મુદ્દામાલ ઝડપાયો
પોલીસે શંકાસ્પદ ઈસમને અટકાવીને તેની પાસે રહેલા સામાનની સઘન તલાશી લેતા તેમાંથી બિનઅધિકૃત નશીલો પદાર્થ ગાંજો મળી આવ્યો હતો. SOGએ સ્થળ પરથી કુલ 9.935 કિલોગ્રામ વજનનો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજિત કિંમત રૂ. 5.02 લાખ થાય છે. પોલીસે ગાંજાનો આ જથ્થો કબ્જે કરી કાયદેસરની જપ્તી પ્રક્રિયા હાથ ધરી હતી.
બિહારનો સંતોષકુમાર કહાન પોલીસ ગિરફ્તમાં
ટ્રેન મારફતે ગાંજાના આ જથ્થાની હેરાફેરી કરતાં પકડાયેલા આરોપીની પ્રાથમિક ઓળખ બિહારના રહેવાસી સંતોષકુમાર કહાન તરીકે થઈ છે. તે બિહારથી ટ્રેનમાં મુસાફરી કરીને આ ગાંજો રાજકોટમાં સ્થાનિક નેટવર્ક અથવા પેડલર્સને સપ્લાય કરવાના ઈરાદાથી આવ્યો હોવાનું પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે.

ડ્રગ્સના નેટવર્ક અંગે પોલીસે સઘન તપાસ શરૂ કરી
આટલી મોટી માત્રામાં ગાંજાનો જથ્થો રાજકોટમાં કોને પહોંચાડવાનો હતો અને બિહારમાં આ જથ્થો કોણે આપ્યો હતો, તે દિશામાં SOG પોલીસે કડક પૂછપરછ શરૂ કરી છે. પોલીસે આરોપી સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને આ આખા નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો: Rajkot મહાનગરપાલિકા દ્વારા પ્રથમ વખત રૂ.1.50 લાખના ઈનામ સાથે ભવ્ય મટકી ફોડ સ્પર્ધાનું આયોજન